શ્વાનને ખાવાનું ખવડાવી રહેલી છોકરીને SUVએ કચડી : રોન્ગ સાઇડથી આવી રહી હતી કાર, છોકરીની હાલત ગંભીર

શ્વાનને ખાવાનું ખવડાવી રહેલી યુવતિને SUVએ કચડી નાખી, કેમેરામાં કેદ થયો ભયાનક અકસ્માત

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને ભેટતા હોય છે, તો કેટલાક લોકો ગંભીર ઘાયલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં એક ખૌફનાક અકસ્માતની ખબર સામે આવી છે. જેમાં પોતાના ઘર પાસે શ્વાનને ખાવાનું ખવડાવી રહેલી 25 વર્ષિય યુવતિને એક તેજ રફતાર SUVએ જોરદાર ટક્કર મારી. આ ઘટના શનિવારના રોજ રાતની હોવાનું કહેવાય છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે અને ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે.

ખબરો અનુસાર, તેજસ્વિતા અને તેની માતા મનજિંદર કૌર ફૂટપાથ પાસે શ્વાનને ખાવાનું ખવડાવી રહ્યા હતા. ત્યારે એક હાઇસ્પીડ એસયુવીએ તેજસ્વિતાને કચડી નાંખી. હાલમાં તેજસ્વિતાને સેક્ટર 16ની સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હિટ એન્ડ રન કેસમાં હજુ સુધી વાહન અને ચાલકની ઓળખ થઈ શકી નથી. પોલીસ અનુસાર, પરિવાર અને પીડિતાના નિવેદનો નોંધવાના બાકી છે. આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેજસ્વિતાને માથા સહિત ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે અને ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેજસ્વિતા શ્વાનને ખાવાનું ખવડાવી રહી છે, ત્યારે જ એક ઝડપી એસયુવીએ તેને ટક્કર મારી. ઇજાગ્રસ્ત બાળકીની માતાએ જણાવ્યું કે ટક્કર માર્યા બાદ એસયુવી અટકી ન હતી.

પીડિતાના પિતાએ જણાવ્યું કે પુત્રી સિવિલ સર્વિસ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરી રહી છે અને તે દરરોજ શ્વાનને ખાવાનું ખવડાવે છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેજસ્વિતાની હાલત હાલ ખતરાથી બહાર છે, પરંતુ તેણે થોડો સમય સારવાર ચાલુ રાખવી પડશે. આ મામલો ચંદીગઢમાંથી સામે આવ્યો છે. તેજસ્વીતાએ આર્કિટેક્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે યુપીએસસીની તૈયારીમાં વ્યસ્ત હતી.

તે શ્વાનને ખવડાવવા માટે રાત્રે તેની માતા સાથે ફર્નિચર માર્કેટમાં જતી હતી. શનિવારે રાત્રે પણ તે તેની માતા સાથે માર્કેટ ગઇ હતી અને ત્યાં જ તેજ રફતાર કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તેજસ્વિતાની માતાએ તેને હોસ્પિટલ લઈ જવા માટે ઘણા ત્યાંથી પસાર થતા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં.

Shah Jina