...
   

ખુશીના જશ્નમાં ડૂબી RCBની ટીમ, હાથમાં ચમચી લઈને જમીન ઉપર પછાડી ટીમનો ઉત્સાહ વધારતો જોવા મળ્યો કિંગ કોહલી, જુઓ વીડિયો

IPLમાં હવે છેલ્લા બે મુકાબલા બચ્યા છે. આઈપીએલમાં પહેલીવાર જોવા મળેલી ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ફાઇનલમાં જગ્યા બનાવી ચુકી છે ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે જંગ છેડાશે. જેમાંથી જીતનારી ટીમ રવિવારના રોજ અમદાવાદમાં જ ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં બાથ ભીડશે.

આ દરમિયાન ક્વોલિફાય થયેલી ટીમોની જીતની ઉજવણીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે. હાલ આરસીબીની ટીમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના ખેલાડીઓ જોરદાર ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વિરાટ કોહલીનો પણ ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે.

IPL 2022ની એલિમિનેટર મેચ બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ જીત મેળવી અને ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી. છેલ્લી બે સિઝનથી એલિમિનેટર હારી રહેલી બેંગ્લોરની ટીમ આ વખતે જીતી ગઈ હતી અને તેના કારણે ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં ખૂબ ખુશ હતા.

RCBએ લખનઉ સુપર જાયન્ટ્સ સામેની જીત બાદ ડ્રેસિંગ રૂમની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. આ મહત્વની મેચ જીતીને ખેલાડીઓ ખૂબ જ ખુશ હતા. વિરાટ કોહલી આ જીતથી ખુશ દેખાઈ રહ્યો હતો અને તેણે મુખ્ય કોચ સંજય બાંગરને ગળે લગાવ્યો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર વિડિયો પોસ્ટ કરતાં ફ્રેન્ચાઇઝીએ કેપ્શનમાં લખ્યું, “જે દ્રશ્યો આપણને જોવાનું ખૂબ ગમે છે અમદાવાદમાં આનાથી વધુ” વાયરલ થઇ રહેલા વીડિયોમાં કિંગ કોહલીનો પણ ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં વિરાટ કોહલી ફોન ઉપર વાત કરી રહ્યો છે જેના બાદ તેના હાથમાં ચમચી લઈને જમીન ઉપર પછાડીને ટીમના ખેલાડીઓનું મનોબળ વધારતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel