USમાં અટલ બ્રિજ જેવી ડિઝાઇનવાળા બ્રિજ સાથે ટકરાઈ શિપ, આંખના પલકારે બ્રિજ કડડભૂસ ડઝન ગાડીઓ નદીમાં ખાબકી

અમેરિકામાં સર્જાયો ભીષણ અકસ્માત, શિપની ટક્કર બ્રિજ સાથે થતા, ગણતરીની સેકેંડમાં જ બ્રિજ નીચે પડ્યો, ઘટના થઇ કેમેરામાં કેદ, જુઓ વીડિયો

Cargo Ship Hits Key Bridge In Baltimore : અમેરિકાના બાલ્ટીમોર હાર્બર વિસ્તારમાં મંગળવારે સવારે એક અકસ્માત થયો હતો. અહીં એક માલવાહક જહાજ બાલ્ટીમોર હાર્બર પાર કરતા પુલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટના બાદ પુલ ધરાશાયી થયો હતો અને આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. બાલ્ટીમોર કોસ્ટ ગાર્ડ ઓફિસર મેથ્યુ વેસ્ટએ જણાવ્યું હતું કે પુલના આંશિક પતનની જાણ મંગળવારે સવારે થઈ હતી.

બાલ્ટીમોર ફાયર વિભાગે પણ પુલ તૂટી પડવાની પુષ્ટિ કરી હતી. આ પછી મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે. કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ ઘણી કાર અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ છે.

એકંદરે આ અકસ્માત મોટી નુકશાની તરફ ઈશારો કરી રહ્યો છે. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે પુષ્ટિ કરી હતી કે અંદાજે સાત લોકો અને અનેક વાહનો નદીમાં વહી ગયા હતા. કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે જહાજ પર સિંગાપોરનો ધ્વજ હતો. માલવાહક જહાજનું નામ ડાલી છે અને તે 948 ફૂટ લાંબુ છે.

આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલંબો માટે રવાના થયું હતું. આ દરમિયાન જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાયું હતું. આ પુલ 1977માં સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1.6 માઇલ લાંબો છે.

Niraj Patel