વડોદરાના મકરપુરાની GIDCમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ, 4ના મોત, 14 ઇજાગ્રસ્ત

ગુજરાતના વડોદરામાં સવારે જ મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર કામદારોના મોતની ખબર પણ સામે આવી રહી છે. આ બ્લાસ્ટમાં 14 જેટલા કામદારો સહિત બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી પરતુ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહિ અને તેને પગલે કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયરબ્રિગેડે મલબો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી અને ત્યાં નજીકમાં જ આ ઘટના બનતી વસાહતમાં રહેતા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં કામદારો સહિત નાના બાળકો અને અનેક પરિવારના લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો પણ હચમચી ઉઠ્યા હતા અને અનેક કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

આ બ્લાસ્ટને પગલે અફરા તફરીનો માહોલ પણ છવાઇ ગયો હતો. બ્લાસ્ટને કારણે કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.

આ બ્લાસ્ટ કેવી રીતે થયો જો તેની વાત કરવામાં આવે તો, ફાયર બ્રિગેડના અધિકારીનું કહેવુ છે કે કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવવામાં આવ્યા છે અને ત્યાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતા ટેમ્પરેચર મેઇન્ટેઇન ન થાય તો બોઇલર ફાટ્યુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીનું જી.ઇ.બી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યુ છે.

Shah Jina