ગુજરાત પર હાલ બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યુ છે, ત્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહેવાને પગલે લોકોને એલર્ટ પણ કરાયા છે. ત્યારે જૂનાગઢના માંગરોળમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, જેમાં ભારે પવનને કારણે એક 6 વર્ષની બાળકી ફંગોળાઈને કેનાલમાં ખાબકી અને તેને બચાવવા માટે કૂદેલો પિતરાઈ ભાઈ પણ કેનાલમાં ડૂબ્યો, જેને કારણે બંનેના મોત નિપજ્યા.
મૃતકોના સંબંધીઓ અનુસાર, બંને પિતરાઈ ભાઈ-બહેન શાળાએ રમવા માટે ગયાં હતાં અને આ દરમિયાન જ પવન ફૂંકાતા શાળા પાસે કેનાલ પાસે ઊભી રહેલ 6 વર્ષિય કૌસર ફારુક ખેબર કેનાલમાં ખાબકી. આ જોઇ તેને બચાવવા પિતરાઈ ભાઈ અરશદ ઈલ્યાસ ખેબર પણ કેનાલમાં કૂદી પડ્યો પણ જો કે તે તો બાળકીને બચાવી ન શક્યો અને તે પણ ડૂબી ગયો.
આ પહેલા સોમવારે સાંજે ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં વંટોળને કારણે પસાર થઈ રહેલાં બે પિતરાઈ ભાઈ બહેનનાં પણ ઈંટોની દીવાલ તળે દબાઈ જવાને કારણે મોત નીપજ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડુ ગુજરાત સાથે ટકરાય તે પહેલા જ દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ રહેલા ભારે પવન અને તોફાની દરિયાના કારણે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા હોવાની ખબર છે.