કેશોદમાં લૂંટેરી દુલ્હનની જાળમાં ફસાયો લગ્નેચ્છુક મુરતિયો, લગ્ન બાદ કન્યા ઘરેણાં લઈને થઇ ગઈ રફુચક્કર, જાણો સમગ્ર મામલો

Bride Robber in Keshod : ગુજરાતમાં ઘણા બધા લોકો ફ્રોડમાં ફસાતા હોય છે, એવો જ એક ફ્રોડ છે લગ્નનો. જેમાં લગ્નેચ્છુક મુરતિયાઓને કોઈ ગેંગ દ્વારા ફસાવવામાં આવતા હોય છે અને લગ્નની લાલચ આપી કોઈ  યુવતી સાથે તેના લગ્ન કરાવીને તે યુવતી રાતોરાત દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઇ જતી હોય છે. આવી જ એક ઘટના હાલ કેશોદમાંથી સામે આવી જ્યાં છે, જ્યાં એવો જ લગ્નેચ્છુક મુરતિયો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે અને કન્યા દાગીના લઈને ફરાર થઇ ગઈ છે.

કેશોદમાં લૂંટેરી દુલ્હન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કેશોદના એક યુવકના લગ્ન નહોતા થઇ રહ્યા, જેના બાદ ઘનશ્યામ મેવાણી અને રૂપેશ ધામેચા નામના વ્યક્તિએ યુવકને લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું અને નાગપુરની એક યુવતી સાથે ભેટો કરાવ્યો. જેના બાદ લગ્ન નક્કી કરવામાં આવ્યા અને લગ્ન બાદ જ યુવતી દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહીત 3 લાખ રૂપિયાની મત્તા ચોરીને રાતો રાત રફુચક્કર થઇ ગઈ હતી, આ ઘટનાની જાણ થતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા.

પોલીસે નોંધી ફરિયાદ :

જેના બાદ યુવકે કેશોદ પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સમેત લગ્ન કરાવી આપનારા કેશોદના જ ઘનશ્યામ મેઘવાણી અને રૂપેશ ધામેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને લોકોની ધરપકડ કરીને લૂંટેરી દુલ્હનની તપાસ હાથ ધરી છે. લગ્ન બાદ યુવતી રક્ષા બંધન કરવાના બહાને પોતાના પિયર જાવ છું એમ કહીને નીકળી હતી, પરંતુ પરિવારજનોને પછીથી ખબર પડી કે યુવતી ઘરેણાં, રોકડ અને મોબાઈલ સમેત 3.1 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગઈ છે.

Niraj Patel