ખેડા / ખોડિયાર માતાજીનું અપમાન: પહેલા બફાટ કર્યો, પછી રૂમમાં પુરાઈ ગયા અને હવે સ્વામિનારાયણ સંતે હાથ જોડીને માંગી માફી, જુઓ શું કહ્યું
Brahmaswarupdas Swami Apologized : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનું વંટોળ ચાલી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. થોડા સમય પહેલા સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રને લઇને વિવાદ સર્જાયો અને તે શાંત પડ્યો તો પછી વડતાલ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ ખોડિયાર માતાજીને લઈને એવી ટીપ્પણી કરી કે લોકો ગુસ્સે થઇ ગયા અને ફરી એકવાર વિવાદ ચાલુ થયો. જો કે, આ વિવાદ વધુ વેગ પકડે એ પહેલા જ ખોડિયાર માતાજીને લઈ વિવાદિત નિવેદન કરનારા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગી લીધી.
ખોડિયાર માં અંગે વિવાદિત ટિપ્પણી બાદ માગી માફી
સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ ખોડિયાર માતાજી પર જે વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય, સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. આ ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું, જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે.
કહ્યુ-મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો
ઘણાં કુળદેવી પકડી રાખે છે મુકતા નથી પણ તેમને મુકી દેવા પડે છે. જો કે, ખોડિયાર માતા અંગે કરેલ વિવાદિત ટિપ્પણી બાદ બ્રહ્મસ્વરૂપ સ્વામી ગાયબ થઇ ગયા હતા. તેમણે પોતાને એક રૂમમાં કરી તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો હતો. ત્યારે હવે આ વિવાદિત ટિપ્પણી બાદ તેમણે માફી માગી છે. સ્વામીએ કહ્યું- મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. આ ઉપરાંત તેમણે આનું પુનરાવર્તન ના થાય એની ખાતરી પણ આપી હતી.
પુનરાવર્તન ના થાય એની આપી ખાતરી
વીડિયોના માધ્યમથી બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ માફી માગી અને કહ્યુ કે શ્રી ખોડીયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ, કાગવડ તથા ખોડીયાર માતાજીના મંદિરો, સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનુ કે કોઈની ધાર્મિક લાગણી ખંડન કરવાનો મારો આશય નહોતો. તો પણ કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે હાથ જોડીને કરબદ્ધ ક્ષમાયાચના ચાહું છું.