વહેલી સવારે માતા અને દીકરો સ્કૂટર પર નીકળ્યા, રસ્તામાં કાળ બનીને પાછળથી આવી કાર, બંને બની ગયા કાળનો કોળિયો, જુઓ તસવીરો
Botad Car Two Wheeler Accident : ગુજરાતમાં અકસ્માતના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળે છે, રોજ બરોજ કોઈને કોઈ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે અને તેમાં કેટલાય નિર્દોષ લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક એવા જ ગમખ્વાર અકસ્માતની ઘટના બોટાદના ઢસા ગામમાંથી સામે આવી છે. જ્યાં એક કાર ચાલકે સ્કૂટર પર જઈ રહેલા મા દીકરાને ટક્કર મારતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, ઢસા ગામમાં રહેતા જીગ્નેશભાઈ મકવાણા તેમની માતા વર્ષાબેન સાથે વહેલી વારે પોતાનું સ્કૂટર લઈને હડમતાળા ખાતે કોઈ કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ જયારે ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી એક XUV કારે તેમને ટક્કર મારી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે હાજર થઇ ગયા અને તાત્કાલિક 108ને પણ જાણ કરવામાં આવી હતી. જ્યાં 108ની ટીમ દ્વારા માતા અને દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જાણ થતા જ ઢસા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી, મોતને ભેટેલા માતા અને દીકરાને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે આ મામલે ઢસા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર માતા અને પુત્ર ટુ વ્હીલર લઈને લૌકિકના કામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. સામે આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે કારની ટક્કર સ્કૂટર સાથે થઇ છે. જેમાં સ્કૂટરની પાછળનો ભાગ સાવ નષ્ટ થઇ ગયો છે.