બોબી દેઓલે કરણ દેઓલ અને દ્રિશા પર લૂંટાવ્યો ખૂબ પ્રેમ, લગ્નની તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઇ એક્ટરની પત્ની
18 જૂન દેઓલ પરિવારના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. આ દિવસે સની દેઓલનો પુત્ર કરણ દેઓલ લગ્નના બંધનમાં બંધાયો. સની દેઓલના પુત્ર અને ધર્મેન્દ્રના પૌત્ર કરણે દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા. આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. દેઓલ પરિવારે દ્રિશાનું ધામધૂમથી સ્વાગત કર્યું ત્યાં 18 જૂને લગ્ન બાદ રાત્રે રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું.
જેમાં ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. કરણ દેઓલના કાકા બોબી દેઓલની તો ખુશીની કોઈ સીમા જ નહોતી. તેણે વહુ દ્રિશા આચાર્ય પર ઘણો પ્રેમ વરસાવ્યો અને દેઓલ પરિવારમાં તેનું સ્વાગત કર્યું. બોબી દેઓલે દ્રિશા અને ભત્રીજા કરણ દેઓલ સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને એક સુંદર નોટ લખી.
અભિનેતાએ લખ્યું, ‘હવે અમે પરિવારમાં પુત્રીના આગમનથી ધન્ય છીએ. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે. બોબી દેઓલે જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તે તેની પત્ની તાન્યા દેઓલ અને દીકરા સાથે નવ પરણિત કપલ કરણ અને દ્રિશા સાથે જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં અભિનેતા ભત્રીજાને ગાલ પર કિસ કરી રહ્યો છે અને ઘણો પ્રેમ વરસાવી રહ્યો છે.
કરણના લગ્નમાં આખો દેઓલ પરિવાર હાજર રહ્યો હતો. જો કે, ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની અને તેની દીકરીએ નહોતા આવ્યા. થોડા દિવસો પહેલા ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, હેમા માલિની પતિના પ્રથમ પરિવારથી આદરપૂર્ણ અંતર જાળવી રાખે છે, અને તેમની વચ્ચે દખલ નથી દેતી. એટલા માટે તે આ લગ્નમાં હાજરી આપવાની નથી.
જો કે સની દેઓલે બંને બહેનોને લગ્નનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ કેટલાક કારણોસર તેઓ હાજરી આપી શક્યા ન હતા. જણાવી દઇએ કે, સની દેઓલની પુત્રવધૂ દ્રિશા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની નિષ્ણાત છે અને હાલમાં તે દુબઈની એક ટ્રાવેલ કંપનીમાં નેશનલ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરી રહી છે. કરણ અને તે બાળપણના મિત્રો છે.