કોરોના કાળમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા ડોક્ટરોને સુરત કોર્ટે ફટકારી અનોખી સજા, જાણો વિગત

હાલ સમગ્ર રાજયમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે ત્યારે હાલમાં ઓક્સિજન, બેડ અને રેમડેસિવિરની અછતના ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તેવામાં સુરત કોર્ટે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર ડોક્ટરો સામે કાર્યવાહી કરી છે. ડૉ. હિતેશ ડાભી અને ડૉ. સાહિલ ઘોઘારીને પંદર દિવસ સુધી સુરત હોસ્પિટલમાં સેવા કરવા આદેશ કર્યો છે.

કોરોના સંક્રમણ દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શન પ્રકરણમાં ઝડપાયેલા ડૉ. હિતેશ ડાભી અને ડો. સાહિલ ગોઘારીની જામીન અરજી કોર્ટે રદ કરી હતી. નામદાર કોર્ટે ડોક્ટરોને જેલમાં મોકલવાને બદલે સુરત હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે હુકમ કર્યો છે. અત્યારે હાલ કોરોના સંક્રમણને કારણે મેડિકલ સ્ટાફની પણ અછત છે, ત્યારે આ ડોક્ટરોને સજાના ભાગરૂપે 15 દિવસ સુધી કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવવાનો હુકમ કર્યો છે.

સુરતના લાલગેટ ભાગળ ચાર રસ્તા પાસે કેટલાક લોકો રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો કાળાબજારીમાં એક ઈન્જેક્શન 13થી 14 હજારમાં વેચતા હતા. જેમાં ડો.હિતેષ ડાભી અને ડો સાહિલ ગોધારી નામના બે તબીબો પણ સામેલ હતા. પરંતુ ઝડપાયેલા આરોપી તબીબો સામે નામદાર કોર્ટે પણ ઉદાહરણરૂપ સજા ફટકારી છે. જેને લોકોએ પણ આવકારી છે.

કોર્ટે આદેશ કર્યો કે, બંનેએ 15 દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે. સાથે જ 15 દિવસ દરમિયાન તેઓ ગુજરાતની બહાર નહીં જઈ શકે.

Shah Jina