ભાવનગરમાં બકરાને બચાવવા જતાં પિતા-પુત્ર પાણીમાં તણાયા, બંનેના દુઃખદ મોત થતા પરિવારને માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો
Bhavnagar Biparjoy : અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન બિપરજોય અંતે ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયુ અને તબાહી મચી ગઇ. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા, તો કેટલીક જગ્યાએ વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થવાની પણ ઘટના બની. ત્યારે ભાવનગરમાં બે વ્યક્તિ અને 15થી વધુ પશુઓનો ભોગ કુદરતી આફતે લીધાના સમાચાર સામે આવી રહ્યા છે.
ભાવનગરના ભંડાર ગામ નજીક નદીના નાળામાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાઈ ગયા અને 15 જેટલા ઢોરોનો જીવ લેવાયો. પિતા-પુત્ર ભંડાર અને સોડવદરા ગામ નજીક આવેલ ફાર્મ હાઉસમાંથી પાણીનો નીકાલ કરવા માટે જે પાઇપ રાખવામાં આવી હતી, તેમાં બકરા તણાઈ જતા તેમને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ પાઈપમાં તેઓ પણ તણાતા ગુંગળાઈ જતા તેમના મોત થયા હતા.
જો કે તેમને બહાર કાઢી CPR આપવામાં આવ્યો પણ તેઓને બચાવી ના શકાયા. સોડવદરા ગામે રહેતા રામજીભાઈ પરમાર અને તેમનો પુત્ર રાજેશ પરમાર બંને પશુપાલન સાથે જોડાયેલા છે અને તેઓ સાંજે સોડવદરા ગામની બાજુમાં આવેલ ભંડાર ગામેથી બકરાઓ ચરાવી પરત ફરી રહ્યા હતા તે સમયે સોડવદરા ગામ નજીક એક પાણીના વોકણામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં તેમના બકરાઓ તણાવવા લાગ્યા,
આ દરમિયાન પહેલા રામજીભાઇ બકરાઓને બચાવવા કૂદી પડ્યા અને પછી તેમનો પુત્ર રાજેશ પણ કૂદી પડ્યો. જેને કારણે બંને મોતને ભેટ્યા અને તેમના 15થી વધારે પશુઓ પણ મોતને ભેટ્યા. ઘટનાને લઈને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને બંનેને પાણીની બહાર કાઢી CPR આપવામાં આવ્યો હતો પણ અફસોસ કે તેઓને બચાવી ના શકાયા. આ ઘટનાની જાણ પોલીસ અને તંત્રને કરતા તેઓ દોડી આવ્યા હતા.