ભાવનગર : સ્વીફ્ટ કાર અને ડમ્પર ધડાકાભેર અથડાતા 4નાં ઘટનાસ્થળે મોત, અકસ્માતને પગલે હાઇવે પર ગુંજી ઉઠી ચીસો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની અનેક ઘટનાઓ સામે આવે છે. ઘણીવાર ગંભીર અકસ્માતોને કારણે કેટલાક લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે ઘણા વાહનચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા પોતાની સાથે સાથે બીજાનો પણ જીવ જોખમમાં મૂકતા હોય છે. હાલમાં એક અકસ્માતની ઘટના ભાવનગરની નજીક આવેલ નવાબંદર રોડ પરથી સામે આવી છે. જેમાં વહેલી સવારે સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે ભાવનગરના નવાબંદર રોડ પર સ્વીફ્ટ કાર અને ડમ્પર ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતને કારણે સ્વીફટ કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને લઇને પોલિસ કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો અને 108 પણ હાજર થઇ હતી. ઉલ્લેખનીય છે કે, કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવક ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. અકસ્માત બાદ ખૂબ જ ખૌફનાક દ્રશ્યો સર્જાયા હતા અને અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા પણ એકઠા થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના પરખચ્ચા ઉડી ગયા હતા. કારને ઘણુ નુકશાન થયુ હતુ અને તેમાં સવાર લોકો પણ અંદર ફસાઇ જવા પામ્યા હતા.મૃતદેહોને બહાર કાઢવા માટે કારની છતને પણ તોડવામાં આવી હતી.

આ ઉપરાંત વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં અજાણ્યા વાહનની ટકકરે બે યુવકોના મોત પણ નિપજ્યા છે. આ ઘટનામાં પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બે યુવાનો 15 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા, જેમાં બંનેના મોત નિપજ્યાં હતા. અકસ્માતની આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Shah Jina