ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના બાળકોથી માંડીને મોટા લોકો જેમને પણ ઉત્તરાયણનો શોખ છે તેઓ અત્યારથી જ પતંગ ચગાવા લાગી ગયા છે. પરંતુ રાજયમાંથી ઘણીવાર ઉત્તરાયણના દિવસો દરમિયાન દર્દનાક ઘટના પણ સામે આવતી હોય છે કે જાણી આપણે પણ ચોંકી જઇએ. ત્યારે ભરૂચમાં પતંગની દોરીએ એક મહિલાનો જીવ લીધો હોવાની કરુણ ઘટના બની છે. ભરૂચના ઝાડેશ્વર ખાતે અરુણોદય બંગલોઝમાં રહેતી પરણિતા તેની દીકરી સાથે એક્ટિવા પર ભોલાવ બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ગળામાં પતંગની દોરી આવી જતાં મહિલાનું ગળું કપાઈ ગયુ હતુ અને ઘટનાસ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. જો કે, આ દરમિયાન મહિલાની દીકરીનો આબાદ બચાવ થયો હતો. હાલ તો આ ઘટનાને લઇને ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત તપાસીએ તો, ભરૂચના ઝાડેશ્વર ખાતે અરુણોદય બંગલોઝ ખાતે રહેતી અંકિતા હિરેન મિસ્ત્રી શનિવાર સાંજના રોજ ઘરેથી એક્ટિવા પર તેની 9 વર્ષની દીકરી સાથે ભોલાવ ખાતેના ભૃગુઋષિ બ્રિજ પર થઇને શક્તિનાથ અને ત્યાંથી વેજલપુર ખાતે તેની સાસરીએ કામ અર્થે જવા નીકળી હતી. આ દરમિયાન બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગની દોરી ગળાના ભાગે આવી જતા તેનું એક્ટિવા સ્લિપ થઇ ગયુ હતુ અને ત્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તેને બચાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ તેનો ઘા જીવલેણ હતો જેના કારણે તેનું મોત નિપજ્યુ હતુ.
માતાની આવી હાલત જોઇ દીકરી પણ રડવા લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલી અંકિતાને તાત્કાલિક 108ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે તેને સારવાર મળે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. ભરુચ એ ડિવિઝન પોલીસે આકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.