સુરત: ચાર મહિના બાદ આખરે ખુલ્યો ચોરીનો ભેદ ! ઘરની નજીકની વ્યક્તિએ ચોર્યો હતો 1.50 લાખનો સોનાનો હાર

પિયરમાં લગ્ન પ્રસંગે આવેલી આ મહિલાએ 1.50 લાખનો સોનાનો હાર ભાભીએ ચોરી લીધો, વેચવા જતા CCTVમાં ઝડપાઇ ગઈ, જુઓ

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો પોલિસ ચોરીના કિસ્સાઓનો પર્દાફાશ ગણતરીના કલાકો કે દિવસોમાં કરી દેતી હોય છે. પણ ઘણીવાર મહિનાઓ બાદ પણ આવા કિસ્સાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે હાલમાં સુરતના (Surat) ઓલપાડના એક ચોરીનો કિસ્સાનો ભેદ ચાર મહિના બાદ ખુલ્યો છે. બલકસ ગામની પરણિતા લગ્ન પ્રસંગે પીયરમાં આવી હતી અને તેની સાથે લાવેલ સોનાનાં કિંમતી દાગીના ભાભીને કબાટમાં મૂકવા માટે આપ્યા હતા. ત્યારે આ દાગીનામાંથી સોનાનો 1.50 લાખનો પાંચ તોલાનો હાર ચોરી થવાની ઘટના બની હતી.

જો કે, હારની ઘણી શોધખોળ કરવામાં આવી પણ તે ન મળતા અંતે ચાર મહિના પછી ભાભીની હાર ચોરી વેચી દેવાની ઘટનાનો ભાંડો ફૂટ્યો છે અને ભોગ બનેલી નણંદે ફરિયાદ કરતાં પોલીસે ભાભીને પકડી પાડી કાર્યવાહી કરી છે. ભાભી નણંદનો હાર વેચવા ગઈ હોવાનું સીસીટીવીમાં કેદ થયુ હતુ. બલકસ રહેતા ગંજેન્દ્રસિંહ ઠાકોરની દીકરી ક્રિષ્નાબેનના માંગરોળના સેઠી ગામે પરિમલસિંહ ચૌહાણ સાથે લગ્ન થયા હતા. 27 જાન્યુઆરીએ ક્રિષ્નાના કાકાની દીકરીના લગ્ન હતા અને તે પ્રસંગે તે બલકસ આવી હતી.આ દરમિયાન ક્રિષ્નાબેનને લગ્ન પર માતાએ કન્યાદાનમાં જે 5 તોલાનો સોનાનો સેટ આપ્યો હતો તે પહેરવા લઈને આવી હતી.

માતા કૈલાસબેન હાર પહેરવા માગ્યો અને લગ્ન પત્યા પછી કૈલાસબેને ઘરેણા વહુ દિશાને કબાટમાં મૂકવા માટે આપ્યા. 29 તારીખે ક્રિષ્નાબેન સાસરીમાં પરત જવાના હતા અને તે સમયે વખતે ઘરેણાં મૂકેલું બોક્ષ લઈને ઉતાવળે ચાલી નીકળ્યા. પણ સાંજે ઘરે પહોંચેલા ક્રિષ્નાબેનની સાસુએ બેગ ખોલીને જોયુ તો સોનાનો હાર જ નહોતો. જેથી આ બાબતે પીયર પક્ષે ફોન કરીને જાણ કરી. આ સાથે જ ઘરમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો. 7 એપ્રિલે ક્રિષ્નાબેનના ભાઈને ફોઇ સાસુની છોકરીને ફોન કરી જણાવ્યુ કે તમારા ઘરેથી ચોરી થયેલ હાર તમારી પત્ની દિશાએ ક્લામંદિર જ્વેલર્સમાં વેચી દીધો છે અને આ વાતની ખરાઇ કરવા જ્વેલર્સનાં સીસીટીવી ફૂટેજ જોતાં દિશા હાર વેચવા માટે આવેલી હોવાનું સામે આવ્યુ.

ત્યારે ચોરીની ઘટનાના ચાર મહિના બાદ સંબંધીની દીકરીએ જ ચોરીની ઘટનાનો ભાંડો ફોડયો હતો. જો કે, આ ઘટના બાબતે દિશાના પરિવારજનોને વાત કરી સમાધાનની વાત કરતાં ચોર ભાભી અને તેના પરિવારજનોએ ધમકી આપતા કહ્યુ કે, હાર પણ ન મળે અને રૂપિયા પણ ન મળે તમારે જે કરવું હોય તે કરી લેજો. જો કે, અંતે 1.50 લાખની કિંમતનો પાંચ તોલાનો હાર ચોરી કરી વેચી દેવાની ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં ઓલપાડ પોલીસે દિશાને પકડી વધુ તપાસ હાથ ધરી છે અને હાર વેચી તેમાંથી જે રૂપિયા આવ્યા તે પૈકી 1.33 લાખનું સોનાનું ડોકિયું ખરીદ્યુ હતુ અને જ્યારે બાકી રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાની તેણે કબૂલાત કરી હતી.

Shah Jina