“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવતા દીલિપ જોશી હોય કે પછી બાપુજીનુ પાત્ર નિભાવતા અમિત ભટ્ટ દર્શકો બધા કલાકારોને ઘણો પ્રેમ આપે છે. અમિત ભટ્ટ તારક મહેતા શોમાં જેઠાલાલના બાપુજીનું પાત્ર નિભાવી ઘરે ઘરે ફેમસ થયા છે. તમને યાદ હોય તો દીલિપ જોશીએ દીવાળીમાં જ નવી કાર ખરીદી હતી અને હવે તે બાદ અમિત ભટ્ટે નવી કાર ખરીદી છે.
અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી છે, જેની કિંમત 13 લાખથી 19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અમિત ભટ્ટ પરિવાર સાથે કારની ડિલીવરી લેવા પહોંચ્યા હતા અને અહીંયા તેઓએ શ્રીફળ વધેર્યુ હતુ અને આરતી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, શોમાં માધવી ભાભીનો રોલ પ્લે કરતી સોનાલિકા જોશીએ પણ વર્ષ 2019માં MG હેક્ટર કાર ખરીદી હતી.
અમિત ભટ્ટને કારનો ઘણો જ શોખ છે. તેમણે 1995માં સૌ પહેલાં ફિઆટ કાર ખરીદી હતી. ત્યારબાદ તે કાર અપડેટ કરતાં રહે છે.આ પહેલા તેમની પાસે ઇનોવા કાર હતી. અમિત ભટ્ટ મોટા ભાગે કાર જાતે જ ડ્રાઇવ કરતાં હોય છે. આ ઉપરાંત જયારે ઇમર્જન્સી હોય ત્યારે તેઓ ટૂ વ્હીલરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.
તમને જણાવી દઇએ કે, અમિત ભટ્ટ ભલે શોમાં વૃદ્ધનું પાત્ર નિભાવતા હોય પરંતુ તે રિયલ લાઇફમાં ઘણા સ્માર્ટ અને યંગ છે. એટલું જ નહિ તેઓ દીલિપ જોશી કરતા ઘણા નાના પણ છે. 19 ઓગસ્ટ 1974ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રમાં જન્મેલા અમિત ભટ્ટના લગ્ન કૃતિ ભટ્ટ સાથે થયા છે અને કપલ મુંબઈમાં રહે છે. જોકે તેમની પત્ની કૃતિ ભટ્ટ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ તે અવારનવાર અમિત ભટ્ટની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને વીડિયોમાં જોવા મળે છે.
27 એપ્રિલ 2020ના રોજ અમિત ભટ્ટે તેમની પત્નીને તેમની 21મી લગ્ન વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી હતી. એક વીડિયો શેર કરતાં તેમણે લખ્યું, તારા વિના જીવનનો કોઈ અર્થ નથી, તું જ મારું કારણ છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, લગ્નની 21મી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન.
કૃતિ ભટ્ટ અવારનવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૂટિંગ સેટ પર જતી જોવા મળે છે. શોની કાસ્ટ અને ક્રૂ સાથે પણ તેના સારા સંબંધો છે. એકવાર અમિત ભટ્ટે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી જેમાં બંને દિશા વાકાણીના રિસેપ્શનમાં હાજરી આપતા જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટને જોડિયા બાળકો છે, જેનું નામ દેવ ભટ્ટ અને દીપ ભટ્ટ છે. આ બંને એક વખત તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડમાં પણ જોવા મળ્યા હતા. અમિત ભટ્ટનો પુત્ર દેવ ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. અને અવારનવાર પોતાના માતા-પિતા સાથે ફોટા અને વીડિયો શેર કરે છે.