આખી દુનિયામાં ધૂમ મચાવનાર ગીત “જાનુ મેરી જાનેમન, બસપન કા પ્યાર” છે મૂળ ગુજરાતી ગાયકનું, જુઓ વાયરલ થવા ઉપર કેવો છે પ્રતિભાવ

આજકાલ મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલીએ એટલે મોટાભાગે એક જ ગીત સાંભળવા મળે છે, “જાનુ મેરી જાનેમન, બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે”. આ ગીત હવે વિશ્વ લેવલે પ્રખ્યાત બની ગયું છે. બોલીવુડમાં પણ હવે આ ગીતની બોલબાલા છે, ઘણા સેલેબ્રિટીઓ દ્વારા આ ગીત ઉપર રીલ બનાવવામાં આવી છે.

આ ગીતને વાયરલ કરવા પાછળ સૌથી મોટો હાથ એક વિધાર્થીનો છે. જે માત્ર 5 વર્ષનો છે અને છત્તીસગઢમાં તેના એક શિક્ષકે તેને આ ગીત ગવડાવ્યું અને પછી તે વાયરલ થઇ ગયું હતું, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે વિશ્વ કક્ષાએ ધૂમ મચાવનાર આ ગીત મૂળ ગુજરાતી ગાયકનું ગીત છે.

આ ગીતને હાલોલના એક ગાયક, જેને ટીમલી સ્વરૂપે ઘણા ગીતો આપીને લોકોને તેમના સંગીત અને અવાજના તાલે ઝુમાવ્યા છે એવા કમલેશ બારોટનું છે. કમલેશ બારોટે આ ગીતને વર્ષ 2018માં ગયું હતું અને પ્રસારિત કર્યું હતું. ત્યારે પણ હાલોલ અને આસપાસના પંથકમાં આ ગીતની ખુબ જ બોલબાલા હતી, ખાસ લગ્નના વરઘોડાની અંદર આ ગીતને ખુબ જ ઉત્સાહથી વગાડવામાં આવતું અને તેના તાલે લોકો ઝુમતા હતા.

પરંતુ હાલ સહદેવે આ ગીતને ગાયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો. તો ઘણા બોલીવુડના સેલેબ્રિટીઓને પણ આ ગીત પસંદ આવ્યું અને તેમને પણ આ ગીત ઉપર રીલ બનાવી પ્રસારીત કરી. છત્તીસગઢના સીએમ દ્વારા પણ સહદેવનું સન્માન કરવામાં આવ્યું હતું.

કમલેશ બારોટે અત્યાર સુધી 1500  કરતા પણ વધારે ગીતો ગાયા છે અને અલગ અલગ યુટ્યુબ ચેનલોના મધ્યમથી તેને પ્રસારિત પણ કર્યા છે. કમલેશ બારોટને ટિમ્બલી કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં તેમના ગીતોની ખુબ જ બોલબાલા પણ જોવા મળે છે. ગીતને વાયરલ થવા ઉપર મીડિયા સાથે વાતચીતમાં કમલેશ બારોટે પણ સહદેવનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું “મારા દ્વારા ગાવામાં આવેલા આ ગીતને પ્રચલિત કરવા માટે સહદેવનો ખુબ ખુબ આભાર”

Niraj Patel