સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદ મામલે એક વ્યક્તિ કુહાડી લઈને હનુમાન દાદાની પ્રતિમા નીચે આવ્યો અને કરી તોડફોડ, વીડિયો થયો વાયરલ

Attack on the murals of Salangpur : હાલ ગુજરાતની અંદર સાળંગપુરના મંદિરમાં વિશાળ હનુમાન દાદાની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ખુબ જ વકર્યો છે. આ વિવાદની અંદર ઘણા સાધુ સંતો પણ ઉતરી આવ્યા છે અને સામાન્ય લોકો પણ રોષે ભરાયા છે. આ ભીંતચિત્રોમાં હનુમાન દાદાને ઘનશ્યામ સ્વામી સામે હાથ જોડીને ઉભા રહેલા બતાવવામાં આવ્યા છે, ત્યારે આ બધા વચ્ચે જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આ ભીંતચિત્રોને કુલ્હાડીના ઘા ફટકારતો જોવા મળી રહ્યો છે.

 

ભીંતચિત્રો પર ફેંક્યો કાળો રંગ :

આ વ્યક્તિની ઓળખ સાળંગપુર નજીક આવેલા ચારણકી ગામના રહેવાસી હર્ષદ ગઢવી તરીકે થઇ છે. આ વ્યક્તિએ પહેલા હનુમાનજીના ભીંતચિત્રો પર પહેલા કાળો રંગ ફેંક્યો અને પછી કુલ્હાડીના ઘા ફટકાર્યા હતા. જેના બાદ ત્યાં હાજર પોલીસ કર્મીઓએ હર્ષદ ગઢવીની અટકાયત કરી હતી, જ્યારથી સાળંગપુરમાં લાગેલી 54 ફૂટ ઊંચી હનુમાન દાદાની પંચધાતુની મૂર્તિ લગાવવામાં આવેલા ભીંતચિત્રોને લઈને વિવાદ શરૂ થયો છે, ત્યારથી પોલીસ કાફલો અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ હાજર છે.

કુલ્હાડીના ઘા મારીને ભીંતચિત્રોને નુકશાન પહોંચવું :

હર્ષદ ગઢવીએ કુલ્હાડીના ફટકા મારતા ભીંતચિત્રોને પણ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. હર્ષદ ગઢવી નામના આ વ્યક્તિએ બેરીકેટ્સ તોડીને ભીંતચિત્રોને નુકશાન પહોચાડ્યું હતું. ત્યારે હાલ પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે કરી અટકાયત :

હર્ષદ ગઢવી નામના આ વ્યક્તિ દ્વારા ભીંતચિત્રોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યા બાદ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને વાંસથી કોર્ડન કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ભીંતચિત્રોને લઈને લોકોમાં ભારે રોષ છે. રાજકોટમાં પણ આજે સ્વામિનારાયણ મંદિરમાં કેલતાંક યુવકો દ્વારા સ્વામિનારાયણ ભગવાન હનુમાન દાદાની સેવા કરતા હોય એવા પોસ્ટર પણ લગાવ્યા છે.

Niraj Patel