શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારે માટે આવેલ હેલિકોપ્ટર મહારાષ્ટ્રના મહાડમાં ક્રેશ થયું. સુષમા અંધારે હેલિકોપ્ટરમાં ચઢે એ પહેલા જ ક્રેશ થઈ ગયું. પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. સવારે 9.30 વાગ્યે સુષમા અંધારે બારામતી તરફ જઇ રહ્યા હતા. તે બારામતીમાં આયોજિત મહિલા મેળામાં ભાગ લેવા માટે મહાડથી બારામતી જવા નીકળ્યા. હેલિકોપ્ટર અકસ્માત સુષમા અંધારેની સામે જ થયો હતો. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા.
ખાસ વાત એ છે કે હેલિકોપ્ટરનો પાયલોટ સુરક્ષિત છે. પાયલોટને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો, સુષમા અંધારે મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતા વ્યક્તિત્વ છે. તે એક વકીલ, લેક્ચરર અને લેખક પણ છે. તેમની પાસે પોલિટિકલ સાયન્સમાં ડોક્ટરેટ અને માસ્ટર્સ ડિગ્રી છે. તેઓ દલિત/આંબેડકરવાદી આંદોલન સાથે સાથે આદિવાસી સમુદાયોમાં તેમના કામ માટે જાણીતા છે. તે બૌદ્ધ ધર્મમાં માને છે.
તે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીનો ભાગ છે. તેઓ તેમના જુસ્સાદાર ભાષણો માટે પણ જાણીતા છે. સુષમા અંધારે જુલાઈ 2022માં શિવસેનામાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે સુષમા અંધારેની રેલી ગુરુવારે મહાડમાં હતી. જો કે, મોડી રાત થઈ ગઈ હોવાથી તે મહાડમાં જ રોકાયા હતા. શુક્રવારે ચૂંટણી રેલી કરવા જવાનું હોવાથી હેલિકોપ્ટર આવ્યુ હતુ.
જો કે, હેલિકોપ્ટર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જઇ. આ દરમિયાન હેલિકોપ્ટરે તેનું સંતુલન ગુમાવ્યું અને અચાનક લથડી પડ્યું. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે ક્રેશ થયેલું હેલિકોપ્ટર એક ખાનગી હેલિકોપ્ટર હતું જે શિવસેનાના નેતા સુષમા અંધારેને લેવા માટે આવ્યું હતું. હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક ક્રેશ થયું હતું. અકસ્માત સમયે હેલિકોપ્ટરના પાયલોટનો જીવ બચી ગયો હતો.