ભાડે ના મળ્યું વિમાન તો ઈંદોરના જમાઈએ બનાવી નાખ્યું પોતાનું જ પ્લેન, એક ગાડી જેટલો જ આવે છે ઉડાવવાનો ખર્ચ, જાણો સમગ્ર મામલો

ઘણા લોકોમાં એવી એવી ક્રિએટિવિટી પડી હોય છે જે બહાર આવતા જ લોકો પણ હેરાન રહી જાય છે. કેટલાક લોકોમાં કંઈક કરી છૂટવાની ભાવના હોય છે અને તેના કારણે જ તે દુનિયાભરમાં પોતાના નામનો ડંકો પણ વગાડતા હોય છે. આપણા દેશમાં કોઈપણ સમસ્યા સામે પહોંચી વળવા માટે અલગ અલગ પ્રકારના જુગાડ હોય છે. ઘણા લોકો પોતાના જુગાડથી એવી એવી વસ્તુઓ બનાવે છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. તો ઘણા ભારતીયો વિદેશમાં જઈને પણ આવા જુગાડ કરતા હોય છે અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

કોરોના સમયમાં ઘણા લોકોએ ઘરે બેઠા બેઠા ઘણું બધું અવનવું શીખ્યું. ઘણા લોકો પોતાની ક્રિએટિવિટીને બહાર લાવ્યા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા આવિષ્કારનું પણ સર્જન કર્યું. હાલ એક એવા જ પરિવારની કહાની સામે આવી છે, જેમણે યુટયુબમાં જોઈને જ આખે આખું શાનદાર પ્લેન બનાવી દીધું. તે પોતાના પરિવાર સાથે આ પ્લેનમાં યુરોપની યાત્રા કરી રહ્યો છે. આ પ્લેનમાં પરિવારના ચાર સભ્યો મુસાફરી કરી રહ્યા છે.

આ કામ આખા પરિવારે ભેગા મળીને કર્યું છે. જેમાં 38 વર્ષીય અશોકને આ કામમાં તેની પત્ની 35 વર્ષીય અભિલાષા દુબે ઉપરાંત 6 વર્ષની દીકરી તારા અને 3 વર્ષની દીકરી દિયાએ પણ મદદ કરી છે. અશોક એક કુશળ પાયલોટ છે અને એન્જીનીયર પણ છે. તેમણે પોતાના પરિવાર સાથે મળીને આ પ્લેનને બે વર્ષમાં તૈયાર કર્યું.

પ્લેન બનાવવા માટે અશોકે યુટ્યુબ સિવાય ઘણા પુસ્તકો અને કેટલાક નિષ્ણાતોની મદદ લીધી. એરક્રાફ્ટ બન્યા પછી તેણે 7 ફેબ્રુઆરી, 2022ના રોજ તેની પ્રથમ ફ્લાઇટ લીધી, અને પછી તેના પરિવાર સાથે જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશોમાં પ્રવાસ કર્યો. વિમાનની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. તેનું વજન 520 કિગ્રા છે, જ્યારે વહન ક્ષમતા 950 કિગ્રા છે. અત્યાર સુધીમાં તેણે 86 કલાક ઉડાન ભરી છે. આ વિમાનને એક લીટર સાદા પેટ્રોલથી 10 કિલોમીટર સુધી ઉડાવી શકાય છે.

અશોક કહે છે કે વર્ષ 2018માં પત્નીએ જન્મદિવસ પર જ પ્લેન રાઈડ ગિફ્ટ કરી હતી. આ દરમિયાન તેણે પાયલોટ સાથે લગભગ 2 કલાક સુધી પ્લેન ઉડાવ્યું હતું. આમાં તેણે પ્લેન ઉડાવવાની તમામ યુક્તિઓ શીખી લીધી. આ પછી એક વર્ષમાં 9 પરીક્ષા પાસ કરીને અને 45 કિમીની ઉડાન ભરીને ખાનગી પાઇલટનું લાઇસન્સ મેળવ્યું.

અશોકને કોરોના સમયગાળા દરમિયાન ભાડા પર પ્લેન મળ્યું ન હતું. આ પછી લોકડાઉનમાં જ્યારે દુનિયા ઘરોમાં કેદ હતી ત્યારે અશોકે 18 મહિનાની મહેનતથી ઘરે જ 4 સીટર પ્લેન તૈયાર કર્યું. તેની કિંમત 1.80 કરોડ છે. અશોક તામરક્ષન મૂળ કેરળનો છે, પરંતુ આ દિવસોમાં તે પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે. તેણે ઈન્દોરની અભિલાષા દુબે સાથે લગ્ન કર્યા છે. અશોકે જણાવ્યું કે તે ઘણીવાર પત્ની સાથે ભાડા પર 2 સીટર પ્લેનમાં જતો હતો, પરંતુ પરિવાર વધ્યા પછી 4 સીટર પ્લેનની જરૂરિયાત અનુભવાઈ.

Niraj Patel