અરવિંદ ત્રિવેદીના અભિનયના કાયલ હતા દર્શકો, રિયલ લાઇફમાં પણ તેમને મળી હતી “લંકેશ”ની ઉપાધિ

ટીવી અને ફિલ્મી દુનિયામાંથી બે-ત્રણ દિવસથી ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા. પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાનું પાત્ર નિભાવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું તેના બાદ  આજે સવારે આંખ ખુલવાની સાથે જ ખબર મળી કે રામાયણમાં રાવણનું પાત્ર નિભાવનારા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ હંમેશા માટે આંખો બંધ કરી દીધી છે.

અરવિંદ ત્રિવેદી ખુબ જ ખ્યાતનામ અભિનેતા હતા, તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ રામાયણમાં રાવણના પાત્રને પણ તેમને અમર કરી દીધું હતું. તેમના અભિનયના કરોડો લોકો દીવાના હતા. વળી લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ થતા રામાયણના એ બધા પાત્રો આંખો સામે ખડા થઇ ગયા હતા.

અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર પાસેના કૂકડીયા ગામના વતની હતા. પરંતુ તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ અભિનય સાથે જ સંકળાયેલા હતા. અને ગુજરાતી ફિલ્મોમાં તેમને પણ દમદાર અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીને પણ એક સમયના સુપરસ્ટાર માનવામાં આવતા હતા.

અરવિંદ ત્રિવેદી ભલે રામાયણમાં રાવણની ભૂમિકા નિભાવતા હોય પરંતુ તેઓ એક સાચા રામભક્ત હતા. તેમને પૂજ્ય મોરારી બાપુના હાથે પોતાના ઘરમાં રામની પ્રતિમા પણ સ્થાપિત કરાવી હતી. શૂટિંગ સેટ ઉપરથી પણ પોતાનું પાત્ર નિભાવીને જયારે તેઓ ઘરે આવતા ત્યારે રામની પ્રતિમા સામે બે હાથ જોડીને માફી પણ માંગતા હતા. કારણે શૂટિંગ દરમિયાન રાવણના પાત્રમાં તે રામને ઘણા અપમાનજનક શબ્દો બોલતા હતા.

આ બાબતે અરવિંદ ત્રિવેદીએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે હું સિરિયલમાં રાવણનું પાત્ર ભજવતો ત્યારે શૂટિંગમાં જતા સમયે રામના ફોટાની પૂજા કરતો હતો. તમે જે પાત્ર ભજવો છો એનો પણ આદર કરવો જોઈએ અને તેથી જ હું રાવણની પૂજા કરતો હતો.” આ રીતે અરવિંદ ત્રિવેદી પોતાના પાત્રને પણ વરેલા હતા.

અરવિંદ ત્રિવેદીએ 300થી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના અભિનયથી ગુજરાતના ઘરમાં ઘરમાં તેમને આગવી ઓળખ બનાવી હતી. અને રામાયણમાં રાવણનું પાત્ર નિભાવી અને તે દેશભરમાં પ્રચલિત બન્યા હતા.અરવિંદ ત્રિવેદીએ ઘણા ગુજરાતી નાટકો અને ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે. તેમના અભિનય માટે તેમને ઘણા એવોર્ડ પણ એનાયત થયા છે.

Niraj Patel