રામાયણના ચાહકો માટે આજનો દિવસ ખુબ જ દુઃખદ રહ્યો. આજે રામાયણ ધારાવાહિકની અંદર લંકાપતિ રાવણનું પાત્ર નિભાવનારા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્રને પણ પોતાના અભિનય દ્વારા અમર કરી દીધું હતું, અને લંકેશન પાત્ર દ્વારા જ તેમને ઘર ઘરમાં ઓળખ ઉભી કરી હતી.
અરવિંદ ત્રિવેદીના નિધન બાદ આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં રામાયણ ધારાવાહિકની સ્ટારકાસ્ટના ઘણા બધા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ અરવિંદ ત્રિવેદીને અશ્રુભેર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર કાંદિવલી સ્થિત સ્મશાન દહાણુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. ત્યારે તેમના આ અંતિમ સંસ્કારમાં અરવિંદ ત્રિવેદીના છેલ્લા દર્શન કરવા માટે દીપિકા ચિખલિયા, સુનીલ લહરી, સમીર રાજડા સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા. આ દરમિયાન સૌના ચહેરા ઉપર અરવિંદ ત્રિવેદીને ખોવાનું દુઃખ પણ જોવા મળી રહ્યું હતું.
અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કારમાં આવેલા સુનિલ લહેરી જેમને રામાયણમાં લક્ષ્મણનું પાત્ર નીભવ્યું હતું તેમને જણાવ્યું હતું કે અરવિંદ ત્રિવેદીના નિધનથી તેમને મોટી ખોટ પડી છે. તે હંમેશા તેમને પિતાની જેમ માનતા હતા અને તેમને મને હંમેશા ગાઈડ કર્યો છે અને મારા માર્ગદર્શક બન્યા છે.
તો રામાયણમાં માતા સીતાનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેત્રી દીપિકા ચીખલીયાએ જણાવ્યું હતું કે “અરવિંદ ત્રિવેદીની ખોટ હંમેશા રહેશે, હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે જ્યાં પણ રહે ખુશ રહે, તેમના આત્માને શાંતિ મળે. તેમને રાવણનું જે પાત્ર નિભાવ્યું તેના દ્વારા લોકોના દિલમાં રાવણ માટે પણ પ્રેમ જાગૃત કરી દીધો હતો.”
તો અરવિંદ ત્રિવેદીની દીકરી એકતાએ મીડિયા સાથે અરવિંદ ત્રિવેદીની અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમને મીડિયાને જણાવ્યું હતું કે તેમના પિતાની અંતિમ ઈચ્છા હતી કે જયારે તેમનું નિધન થાય ત્યારે તેમને રામ નામ વાળું વસ્ત્ર ઓઢાવવામાં આવે. તેમને એ પણ જણાવ્યું કે તે બીમાર નહોતો અને રાત્રે શિવ મહિમ્ન સ્ત્રોત અને રામ નામના જાપ કરી રહ્યા હતા. આજે સવારે આંખ ખુલવાની સાથે જ ખબર મળી કે રામાયણમાં રાવણનું પાત્ર નિભાવનારા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ હંમેશા માટે આંખો બંધ કરી દીધી છે.
અરવિંદ ત્રિવેદી ખુબ જ ખ્યાતનામ અભિનેતા હતા, તેમને ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ રામાયણમાં રાવણના પાત્રને પણ તેમને અમર કરી દીધું હતું. તેમના અભિનયના કરોડો લોકો દીવાના હતા. વળી લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ થતા રામાયણના એ બધા પાત્રો આંખો સામે ખડા થઇ ગયા હતા.
અરવિંદ ત્રિવેદી મૂળ ઇડર પાસેના કૂકડીયા ગામના વતની હતા. પરંતુ તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ અભિનય સાથે જ સંકળાયેલા હતા. અને ગુજરાતી ફિલ્મોમાં તેમને પણ દમદાર અભિનય કર્યો હતો. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીને પણ એક સમયના સુપરસ્ટાર માનવામાં આવતા હતા.
જો કે, તેમની બોડી લેંગ્વેજથી ખુશ થઇને રામાનંદ સાગરે તેમને રાવણનો રોલ આપી દીધો હતો. અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, રામાનંદ સાગરે મને સ્ક્રિપ્ટ વાંચવા કહ્યુ હતુ. હું જયારે સ્ક્રિપ્ટ પાછી આપવા માટે ગયો ત્યારે રામાનંદ સાગરે મને રોક્યો અને કહ્યુ કે, મને મારો લંકેશ મળી ગયો છે. રામાનંદ સાગરે રાવણના રોલ માટે લગભગ 400 જેટલા ઓડિશન લીધા હતા. પરંતુ તેમને તેમનો લંકેશ મળ્યો ન હતો. રામાનંગ સાગરે ઘણી ફિલ્મો જોઇ હતી અને એમાં તેમને ગુજરાતી કુંવરબાઇનું મામેરુ નામની ફિલ્મ જોઇ અને તે બાદ અરવિંદ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો.
ટાઇમ્સ નાઉના રીપોર્ટ અનુસાર ધારાવાહિકમાં રામનો રોલ પ્લે કરતા અભિનેતાએ કહ્યુ હતુ કે, રામાયણની કાસ્ટ ઇચ્છતી હતી કે રાવણનો રોલ અમરીશપુરીને મળે જો કે, તેમણે આ રોલ માટે ના કહી દીધી હતી. રાવણના પાત્રની લોકપ્રિયતા જબરદસ્ત બની ગઇ હતી. આ ધારાવિહક જયારે સમાપન તરફ હતી અને રાવણવધનો એપિસોડ આવ્યો ત્યારે દેશભરના કરોડો દર્શકોના આંખમાં આસુ આવી ગયા હતા. રાવણનો વધ થયો ત્યારે આખો દેશ રડ્યો હતો.