ગભરાઓ નહિ આવશે તો મોદી જ : અનુપમ ખેર, સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતા જ થયા ટ્રોલ

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ફરી એક વખત ખુલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવ્યા છે. એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું હતું કે- ગભરાશો નહીં. આવશે તો મોદી જ.

કોરોનાના કહેર વચ્ચે વરિષ્ઠ પત્રકારે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને ટ્વીટ કર્યું હતું, જે શેખર ગુપ્તાનું આ ટ્વીટ અનુપમ ખેરને પસંદ નહીં આવતા તેમણે સરળ શબ્દોમાં લાંબો જવાબ આપ્યો હતો.

શેખર ગુપ્તાએ ટ્વીટને રિટ્વીટ કરતા એક્ટરે લખ્યું હતું કે, આદરણીય, શેખર ગુપ્તાજી, આ કેટલાક દિવસોમાં જ થશે. કોરોના મહામારી સમગ્ર દુનિયા માટે છે. આપણે આ પહેલા ક્યારેય તેનો સામનો કર્યો નથી. સરકારની આલોચના જરૂરી છે. પરંતુ આ આપણી બધાની પણ જવાબદારી છે.પરંતુ ગભરાશો નહીં, આવશે તો મોદી જ, જય હો. અનુપમ ખેરના આ ટ્વીટને કારણે લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો આ ટ્વીટ પર અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આના પહેલા પણ અનેક પ્રસંગે અનુપમ ખેર વડાપ્રધાનનો બચાવ કરતા જોવા મળેલા છે. વડાપ્રધાન મોદી અને અનુપમ ખેર વચ્ચેના સંબંધો ખૂબ જ સારા છે. જુલાઈ 2019માં વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ અનુપમ ખેરે લખ્યું હતું કે, પીએમ મોદી તેમના માટે ઉર્જાનો સ્ત્રોત છે. તાજેતરમાં જ અનુપમ ખેરનું એક પુસ્તક રીલિઝ થયું હતું ‘યોર બેસ્ટ ડે ઈઝ ટુડે’. વડાપ્રધાન મોદીએ પણ આ પુસ્તકના વખાણ કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખુલીને ભાજપનું સમર્થન કરે છે. તેમના પત્ની કિરણ ખેર ચંદીગઢથી ભાજપના સાંસદ પણ છે.

Shah Jina