‘હેલો એકવાર મારી સાથે વાત કર, છેલ્લીવાર…’ પાકિસ્તાન ગયેલી અંજુના પિતાએ તેને મોકલ્યો વોઇસ મેસેજ
રાજસ્થાનના ભીવાડીથી પાકિસ્તાન ગયેલી અંજુ હવે ફાતિમા બની ગઈ છે, તેણે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના રહેવાસી નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા છે. જ્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા અંજુના પિતા ગયા પ્રસાદ થોમસને આ વાતની જાણ થઈ તો તેમણે અંજુને વોઈસ મેસેજ કર્યો. આ મેસેજમાં તેમણે કહ્યું હતું કે ‘અંજુ મારી સાથે વાત કરો’. હેલો અંજુ, એકવાર મારો સંપર્ક કર, મારે તારી સાથે છેલ્લી વાર વાત કરવી છે, બસ મારે છેલ્લી વાર વાત કરવી છે.’ અંજુના પિતાએ અંજુના મોબાઈલ પર વોઇસ મેસેજ કર્યો કે મારે તારી સાથે વાત કરવી છે. પણ અંજુએ આ મેસેજનો જવાબ આપ્યો નહિ.
અંજુના પિતાએ મોકલ્યો વોઇસ મેસેજ
થોડા દિવસો પહેલા તો ગયા પ્રસાદ થોમસે કહ્યું હતું કે તેમનો તેમની પુત્રી સાથે કોઈ સંબંધ નથી. આ દરમિયાન ગુરુવારે પાકિસ્તાનથી અંજુનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે નસરુલ્લા અને તેના કેટલાક મિત્રો સાથે બુરખો પહેરીને ડિનર કરતી જોવા મળી હતી.મીડિયા સામે અંજુ સાથે તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરનાર થોમસે કહ્યું હતું કે તે આવી પુત્રીનો પિતા કેમ બને? અંજુએ પરિવાર સાથે દગો કર્યો અને બાળકોને છોડી દીધા તે અંગે તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. અંજુ વિશે વાત કરતી વખતે તેમની આંખો દરેક વખતે ભીની થઈ જાય છે.
ઇસ્લામ સ્વીકારી પાકિસ્તાનમાં કરી લીધા નિકાહ
બીજી તરફ ભીવાડીમાં હાજર અંજુના પતિ અરવિંદ પણ કાનૂની લડાઈની તૈયારી કરી રહ્યા છે. તે કહે છે કે જો અંજુ પાછી આવશે તો તે તેને સ્વીકારશે નહીં અને તેની સામે FIR દાખલ કરશે. જણાવી દઈએ કે અંજુએ પાકિસ્તાનમાં ઈસ્લામ સ્વીકારી લીધો છે અને નસરુલ્લા સાથે નિકાહ પણ કરી લીધા છે. થોડા દિવસો પહેલા જ બંનેનું નિકાહનામુ પણ સામે આવ્યું હતું. બંનેએ સ્થાનિક કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના ભિવડીમાં રહેતી હતી.
આવી રીતે પહોંચી પાકિસ્તાન
તેની સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં રહેતા નસરુલ્લા સાથે મિત્રતા થઇ હતી, અંજુએ વિદેશમાં નોકરીના નામે બે વર્ષ પહેલા પાસપોર્ટ મેળવ્યો અને આ પછી 21 જુલાઈએ અંજુ ભીવાડીથી દિલ્હી પહોંચી અને પછી અમૃતસર ગઇ, તે બાદ તે ત્યાંથી વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચી. પાકિસ્તાન પહોંચ્યા બાદ અંજુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેની નસરુલ્લા સાથે બે વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. અંજુએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનથી ભારત પહોંચેલી સીમા હૈદર સાથે તેની સરખામણી કરવી ખોટી છે. તે ભારત પરત ફરશે.
પતિ સાથે પણ રહી સંપર્કમાં
પાકિસ્તાનમાં તે એકદમ સુરક્ષિત છે. અંજુ તેના પતિ અરવિંદને જયપુર મિત્રને મળવા જવાનું કહી નીકળી હતી અને તે અરવિંદ સાથે વોટ્સએપ પર સંપર્કમાં પણ હતી અને તેની સાથે વાતો પણ કરી. જ્યારે અંજુ વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચી ત્યારે તેણે તેના પતિને કહ્યું કે તે લાહોર આવી ગઈ છે. થોડા દિવસોમાં તે ભારત પરત આવશે. પાકિસ્તાન ગયા પછી અંજુ ઈસ્લામ ધર્મ સ્વીકારી અંજુમાંથી ફાતિમા બની ગઇ. તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે બુરખો પહેરેલી જોવા મળી રહી છે.