Turkey Accident : તુર્કીમાં બનાસકાંઠાની યુવતીનું અકસ્માતમાં મૃત્યુ, જે સમય-તારીખે ઘરેથી નીકળી હતી તે જ સમય-તારીખે મૃત્યુ
હાલમાં જ તુર્કીમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા, જેમાં વડગામના ભાંગરોડીયાની અંજલિ કે જે તેના ત્રણ ગુજરાતી મિત્રો સાથે તુર્કીમાં અકસ્માતની ઘટનામાં મોતને ભેટી છે, તે ગત વર્ષે જે દિવસે તુર્કી ગઈ હતી તેના એક વર્ષ બાદ તે જ તારીખે તેનું મોત થયુ. અંજલીનું 3 જુલાઈએ વહેલી સવારે થયું હતું, જ્યારે તે ભારતથી તુર્કી 3 જૂલાઈ 2022ના રોજ ગઇ હતી, પરિવારની દીકરી જે તારીખે ઘરેથી તુર્કી જવા નીકળી તે જ સમયે દીકરીના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ.
ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના વિદેશમાં મોત
આ અકસ્માતમાં પ્રતાપભાઈ કારાવદરા, સોઢાણા(પોરબંદર), જયેશ આગઠ, રાણાકંડોરણા(રાણાવાવ), અંજલિ મકવાણા, ભાંગરોડિયા,(વડગામ) અને પૃષ્ટિ પાઠક(વડોદરા)ના મોત થયા છે. આ ચારેય ગુજરાતી વિદ્યાર્થીઓ રજાનો દિવસ હોવાથી કાર લઇને ફરવા નીકળ્યા હતા પણ આ દરમિયાન જ કિરેનિયા નજીક હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઇ અને આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર ભાંગરોડિયાની અંજલિ મકવાણા સહિત ચાર ગુજરાતીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં. ભાંગરોડીયાની અંજલિ વર્ક પરમિટ પર તુર્કી ગઈ હતી અને પહેલા તે 6 મહિનાની હતી.
ભાંગરોડિયાની અંજલી વર્ક પરમિટ પર ગઇ હતી તુર્કી
જો કે તે પછી આ વર્ક પરમિટ 6 મહિના એક્સટેન્ડ કરી હતી. અંજલિના પિતાએ કહ્યુ કે તે મેડિકલ સ્ટોર પર નોકરી કરે છે અને તેમના પરિવારમાં પત્ની, દીકરી અંજલિ અને એક પુત્ર છે. તેમના દીકરાએ પાલનપુર સરકારી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે આગળ જણાવ્યુ કે અંજલિ સાથે તેમને 2 જુલાઈએ રવિવારે વાત થઈ હતી. રવિવારે રાત્રે 3.40 આસપાસ આ અકસ્માતની ઘટના બની પણ બીજા દિવસે તેમને 4 વાગ્યે એટલે કે 3 જુલાઈએ ખબર પડી. તે પછી મંગળવારે જીગ્નેશ મેવાણી આવ્યા અને પ્રોસેસ શરૂ કરી હતી. એફિડેવિટ અને અન્ય દસ્તાવેજો પણ તેમણે મોકલ્યા.
દીવાળીમાં વતન આવે ત્યારે કરવાની હતી લગ્નની વાત
એવા પણ અહેવાલ છે કે અંજલીનો તુર્કીથી કેનેડા જવાનો પ્લાન હતો અને સરકારની મંજૂરી મળે તે માટે આગળની કાર્યવાહી કરી અને તે કેનેડા જઈ અને વસવાટ કરવા માગતી હતી. જોકે, દીવાળીમાં તે જ્યારે વતન આવે ત્યારે તેના લગ્નની વાત પણ કરવાની હતી અને ધામધૂમથી લગ્ન થાય એવું પરિવારજનો વિચારી રહ્યા હતા. અકસ્માતના બે દિવસ પહેલા તે ઘણી ખુશ હતી કારણ કે તેને તુર્કીમાં એક વર્ષ પૂરુ થયુ હતુ. તેણે એવું પણ કહ્યુ હતુ કે તે દિવાળીમાં વતનમાં આવશે અને ખૂબ જ આનંદ ભેર દિવાળીના તહેવારની ઉજવણી પરિવાર સાથે કરશે. તેણે પોતાના વ્હાલસોયા ભાઈને પણ ખુબ જ લાડથી દિવાળીમાં તહેવાર ઉજવવાની વાત કરી હતી.