સુરતની આ દિવ્યાંગ મહિલા પ્રોફેસરે પોતાના જ્ઞાનથી અમિતાભ બચ્ચનને પણ કર્યા મંત્રમુગ્ધ, KBCમાંથી જીત્યા આટલા લાખ રૂપિયા

દર્શકોનો સૌથી લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ તેની નવી 14મી સીઝન સાથે ટીવી ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ શોમાં ઘણા લોકો લાખો રૂપિયા જીતીને ગયા છે તો ઘણા લોકોના હાથે નિરાશા પણ લાગી છે. છતાં ઘણા એવા પ્રતિસ્પર્ધીઓ પણ આવ્યા જેમણે પોતાના જ્ઞાનથી અમિતાભનું પણ દિલ જીતી લીધું હતું.

આ શોનો સોમવારનો એપિસોડ ખૂબ જ ખાસ હતો, જ્યાં ગુજરાતના સુરતની રહેવાસી અનેરી આર્યા પહોંચી હતી. અનેરી અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેણે શોમાંથી 25 લાખ રૂપિયા જીત્યા હતા. અનેરીની આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે તે આંશિક રીતે અંધ છે.

અનેરીના પિતાએ શોમાં જણાવ્યું કે 26 વર્ષીય અનેરીની અત્યાર સુધીમાં 13 આંખની સર્જરી થઈ છે. શોમાં તેણે પોતાની જાણકારીના આધારે 25 લાખ રૂપિયા જીત્યા હતા. પરંતુ 50 લાખ રૂપિયાના સવાલનો જવાબ તે આપી ના શકી અને તેને આ શો ક્વિટ કરવો પડ્યો હતો. જેના કારણે તે 25 લાખ રૂપિયા પોતાની સાથે લઇ ગઈ.

જ્યારે અમિતાભ બચ્ચને અનેરી આર્યાને 50 લાખ રૂપિયાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તે ફસાઈ ગઈ અને તેને ગેમ છોડવાની ફરજ પડી. અનેરી આર્યા પાસે 50 લાખના આંક સુધી એક પણ લાઈફલાઈન બાકી નહોતી. જો તેણે ખોટો જવાબ આપ્યો હોત તો 25 લાખની રકમ પણ તેના હાથમાંથી નીકળી ગઈ હોત. આવી સ્થિતિમાં, અનેરીએ સમજદારીથી કામ કર્યું અને 50 લાખના પ્રશ્ન પર રમત છોડી દીધી.

અનેરીએ એક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેને 2021 માં ‘કૌન બનેગા કરોડપતિ’ના ઓડિશન માટે પસંદ કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન જોબ ઈન્ટરવ્યુના કારણે તેણે ઓફર ઠુકરાવી દીધી હતી. અનેરી આર્યાએ એ પણ જણાવ્યું કે તે ‘KBC’ માટે આ પહેલા પણ ઘણી વખત પ્રયાસ કરી ચુકી છે.

Niraj Patel