ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવે છે, છેલ્લા ઘણા દિવસથી અકસ્માતોની સંખ્યામાં વધારો પણ થઈ રહ્યો છે. ત્યારે આણંદ અને નડિયાદમાં છેલ્લા 24 કલાકમાં બે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી. પ્રાપ્ત જાણકારી અનુસાર, નડિયાદની પીપલગ ચોકડીથી પીપળાતા જવાના રોડ પર કારે બાઈક અને ટુવ્હીલરને અડફેટે લેતા બાઈક અને ટુવ્હીલર ઉપર સવાર લોકો નીચે પટકાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા.
જો કે ઘટના બનતા સ્થાનિકોએ કારચાલકને મેથીપાક ચખાડયો હતો. ઘટનાની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. આ રોડની કામગીરી છેલ્લા બે વર્ષથી ગોકળગતિએ ચાલી રહી છે અને માર્ગ અને મકાન (સ્ટેટ) અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે હજુ સુધી રોડની કામગીરી અદ્ધરતાલ હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા છે.
બીજા અકસ્માતની વાત કરીએ તો, મરેઠના શીલીયાપુરાના પાટિયા પાસે ઘરખુણિયા કેનાલવાળા રસ્તા પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બંને બાઈકના ચાલક સહિત ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી, જેમાંથી બે ઈજાગ્રસ્તોને ઉમરેઠ કરમસદ અને પછી વડોદરા હોસ્પિટલમાં ખસેડાયા. જો કે આધેડનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.