હે રામ, આણંદમાં દારુના નશામાં નબીરાએ 8 નિર્દોષ લોકોને કચડી નાખ્યા, 4ના મોત, તથ્યકાંડ યાદ આવ્યો, જુઓ તસવીરો
Anand Hit And Run : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓ પણ વધવા લાગી છે. સાથે જ નબીરાઓ પણ બેફામ બન્યા છે અને દારૂના નશામાં માસુમ લોકોને કચડી રહ્યા છે, હજુ ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્ય કાંડની યાદ ભૂંસાઈ નથી ત્યાં વધુ એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે, જેમાં આણંદની અંદર એક દારૂ ઢીંચેલા નબીરાએ 8 લોકોને કચડી નાખ્યા, જેમાંથી 4 લોકોના મોત થયા છે.
8 લોકોને કચડી નાખ્યા :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત ગુરુવારના રોજ આણંદ જિલ્લાના નાવલી-નાપાડ રોડ પર નશાની હાલતમાં જેનીશ પટેલ નમનો નબીરો ઈર્ટિગા કાર લઈને પુરપાટ ઝડપે દોડી રહ્યો હતો. ત્યારે જ તેને નશાની હાલમાં અંદાજે 8 જેટલા લોકોને કચડી નાખ્યા. જેનીશે આગળ જતી બે બાઈક અને સામેથી આવી રહેલી બે બાઇકને જબરદસ્ત ટક્કર મારી હતી, આ અકસ્માતમાં 4 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. આ અકસ્માતના કાળજું કંપાવી દે તેવા વીડિયો પણ સામે આવ્યા છે.
4ના મોત :
સામે આવેલા વીડિયો વિચલિત કરી દેનારા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ચાર લોકો રોડ પડેલા છે અને એકનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું છે અને ત્રણ રોડ પર તડપી રહ્યા છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે એક યુવતી લોહી લુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે, સાથે જ “જતીન ઉઠ, જતીન ઉઠ” એમ પણ જોર જોરથી બોલી રહી છે. ત્યારે આ અકસ્માત બાદ રસ્તા પર જતા અન્ય વાહન ચાલકો પણ બચાવ માટે ત્યાં આવ્યા ત્યારે નજારો જોઈને હેબકાઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને પકડ્યો :
જેના બાદ કોઈએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા જ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક પોતાની કારણે ઘટના સ્થળે મૂકીને જ ભાગી ગયો હતો. પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ નાપાડના રહેવાસી જેનિસ હૂગીશ પટેલની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં તેને દારૂ પણ પીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ આ મામલે કોર્ટમાં આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.