આણંદ : તારાપુર-વટામણ હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલ કારે બાઈકને મારી ટક્કર, પિતાનું ઘટનાસ્થળે જ મોત જ્યારે પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ…

કારે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, CCTV:આણંદમાં બાઇક પર રોડ ક્રોસ કરતાં કારે ટક્કર મારી, ત્રણ ગુલાટી ખાતાં 5 સેકન્ડમાં પિતાનું મોત, પુત્રને ઈજા

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ખબર સામે આવી. આ અકસ્માતના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે. બપોરના સમયે પિતા-પુત્ર બાઈક પર હાઈવે પર ફૂટપાથ ક્રોસ કરી સામેની લેનમાં જઈ રહ્યા હતા, ત્યારે જ પુરપાટ ઝડપે પસાર થતી કારે બંનેને જોરદાર ટક્કર મારી અને આને કારણે પિતા-પુત્ર ફૂટબોલની જેમ ફંગોળાઈ રોડ પર પટકાયા.

આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે 9 વર્ષીય પુત્ર સારવાર હેઠળ છે. આ અકસ્માતની જાણ થતા પોલિસ પણ તાત્કાલિક પહોંચી હતી અને કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત જાણકારી અનુસાર, તારાપુરના વલ્લીગામમાં રહેતા અમિતભાઈ જાદવ ગતરોજ બપોરના સમયે 9 વર્ષીય પુત્ર દર્શન સાથે તારાપુર જવા નીકળ્યા હતા.

ત્યારે સવા બે વાગ્યાના અરસામાં તારાપુર-વટામણ હાઈવે પર ખાનપુર દરગાહ નજીક રોડ ક્રોસ કરી સામેની લેનમાં જતા સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે અમિતભાઈની બાઈકને અડફેટે લીધી. આ પછી અમિતભાઈ અને તેમનો પુત્ર દર્શન રોડ પર ફંગોળાયા અને તેને કારણે માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓને પગલે અમિતભાઈનું મોત નિપજ્યુ અને પુત્ર સારવાર હેઠળ છે.

આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઇ હતી. એક બાઈક સવાર રોડ ક્રોસ કરી હાઈવેની બીજી લેન તરફ જઈ રહ્યા હતા ત્યારે જ પૂરઝડપે આવી રહેલી કારે પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી અને બંને ફૂટબોલની જેમ રોડ પર ફંગોળાયા.

Shah Jina