Ambalal Patel Prediction: ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. કેટલાક શહેરોમાં મેઘતાંડવ જોવા મળ્યુ તો કેટલાક શહેરોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી ઓગસ્ટ મહિનામાં પણ છે. ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે, આને લઇને ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે અને તેને કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની ફરી એકવાર વરસાદની આગાહી
ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 3 ઓગસ્ટના રોજ એટલે કે આજે પવન ફૂંકાવાની અને 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઇ છે.
આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક
આ ઉપરાંત એવું પણ તેમના દ્વારા કહેવાયુ છે કે સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, આશ્રેશા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે, 4-5-6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ તો ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
17 ઓગસ્ટ પછી મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ માટે સારુ
હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદને લઇને આગામી 5 દિવસની આગાહી કરાઇ છે. આ ઉપરાંત 12 અને 13 ઓગસ્ટે પણ વરસાદની તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ છે. ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલે ખેડૂતો માટે જણાવ્યું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે અને સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે.
સતત વરસાદને કારણે કૃષિ પાકને નુકશાન
તેમના અનુસાર, 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. જો કે, ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને 30-31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.