અગ્નિપથ યોજનાના વિરોધમાં આ મહિલા નેતાએ રસ્તા વચ્ચે સુઈ જઈને મચાવ્યો મોટો હોબાળો, વીડિયો થયો વાયરલ

મંગળવારે અલકા લાંબાએ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની EDની પૂછપરછના વિરોધમાં હાઇ વોલ્ટેજ હોબાળો મચાવ્યો હતો. અલકા લાંબા રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે મહિલા પોલીસકર્મીઓએ તેમને ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો તે રસ્તા પર જ સૂઈ ગયા.

આ દરમિયાન અલકા લાંબાએ કહ્યું કે મારા હાથમાં ન તો બોમ્બ છે અને ન તો એકે-47, તો પછી મારાથી શું ખતરો છે, હું આરામથી બેઠી છું, હું કોઈ કાયદો નથી તોડી રહી. ગાંધીના દેશમાં હું ચુપચાપ વિરોધ કરી રહી છું. આ દરમિયાન તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. અલકા લાંબાએ કહ્યું કે હાથ બંધાયેલા છે, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, તેઓ આની મંજૂરી નથી આપી રહ્યા, કયા બંધારણ અને કાયદામાં આ લખ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, “તેઓને કેવી રીતે તાલીમ આપવામાં આવી છે ? તેમને કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તમે અગ્નિપથમાં ચાર વર્ષની ટ્રેનિંગ આપ્યા બાદ યુવાનોને બહાર મોકલો છો તો તેઓ આ રીતે ગરદન તોડશે.” જ્યારે પોલીસે તેમને ઉઠાવવાની કોશિશ કરી તો તેમણે કહ્યું કે “કાં તો મારી ગરદન ભાંગી નાંખવામાં આવશે અથવા તો હું મારી ગરદન બચાવવા પોલીસકર્મીના હાથ પાછળ રાખીશ. પરંતુ જ્યારે હું આ કરીશ ત્યારે બતાવવામાં આવશે કે અલકા લાંબાએ યુનિફોર્મ પર હાથ નાખ્યો છે.” આ દરમિયાન તે રસ્તા પર સૂઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં મંગળવારે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ પ્રદર્શન કર્યું હતું. જ્યારે સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા અને તેમને દિલ્હી પોલીસની બસમાં બેસાડવાનું શરૂ કર્યું, ત્યારે મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાએ કેટલાક સુરક્ષાકર્મીઓ પર થૂંક્યું હતું.

Niraj Patel