બોયકોટ બોલિવુડ પર અક્ષય કુમારે તોડી ચુપ્પી અને સાઉથ ફિલ્મોને લઇને બોલી આ મોટી વાત

આ દિવસોમાં બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી રહી નથી. ફિલ્મની રિલીઝ પહેલાથી લોકો તેને બોયકોટ કરી રહ્યા છે. જેના કારણે બોલિવૂડને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હાલમાં જ રીલિઝ થયેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનો સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ થયો હતો. આ પછી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન પણ આની ચપેટમાં આવી ગઇ. જેના કારણે આ ફિલ્મ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાણી કરી શકી નથી. હવે અક્ષય કુમારે બોલિવૂડના આ બોયકોટ ટ્રેન્ડ પર મૌન તોડ્યું છે.

તેણે કંઈક એવું કહ્યું છે જે દરેક ટ્રોલ અને ફિલ્મોનો બહિષ્કાર કરનારાઓએ સાંભળવું જોઈએ. આ દિવસોમાં અક્ષય કુમાર તેની ફિલ્મ રક્ષાબંધનને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી રહી છે, પરંતુ તે સારી કમાણી કરી શકી નથી. જેના કારણે ફિલ્મ નિર્માતાઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેનું મોટું કારણ ફિલ્મનો બહિષ્કાર કરવાનું છે, હવે અક્ષય કુમારે આ અંગે મૌન તોડ્યું છે. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં અક્ષયે આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

અક્ષય કુમારે કહ્યું કે કેટલાક લોકો ફિલ્મોને બહિષ્કાર કરવાનું કહે છે. હું વિનંતી કરું છું કે તે લોકો આવું ન કરે. ફિલ્મ બનાવવા માટે ઘણી મહેનત અને પૈસાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, આ બોયકોટ ટ્રેન્ડથી તે બધાને મોટું નુકસાન થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નુકસાનની સાથે દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની માઠી અસર પડી છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થાય છે. આના દ્વારા ક્યાંક ને ક્યાંક આપણે પોતાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મને ખાતરી છે કે જે લોકો આવું કરે છે તેઓને આનો અહેસાસ ટૂંક સમયમાં થશે.

બોલિવૂડ બોયકોટ સિવાય અક્ષય કુમારે સાઉથ સિનેમાની હિટ ફિલ્મો વિશે પણ ચર્ચા કરી. તેણે કહ્યુ- જ્યારે ફિલ્મ સારી બને છે ત્યારે તે હિટ હોય છે. આમાં એ કહેવું ખોટું છે કે તે સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ હતી, તેથી તે ચાલી. ફિલ્મ સાઉથ અને નોર્થના આધારે નહીં પણ તેના સારા પ્રદર્શનના આધારે ચાલે છે. અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ રક્ષાબંધને અત્યાર સુધીમાં 21 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડાઓ જોયા બાદ મેકર્સ ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છે.

Shah Jina