PUBG રમતા બાળકોના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, અમદાવાદમાં સગીરાને PUBGની લત એવી લાગી કે લેવી પડી મહિલા હેલ્પલાઇનની મદદ

આજે મોટાભાગના બાળકો પાસે પણ સ્માર્ટફોન જોવા મળી રહ્યો છે, વળી કોરોનાના કારણે શિક્ષણ પણ ઓનલાઇન બનવાના કારણે મોબાઈલ ખુબ જ જરૂરી બન્યો છે, ત્યારે ઘણા બાળકો  મોબાઈલ દ્વારા ઓનલાઇન ગેમના રવાડે પણ ચઢી જતા જોવા મળે છે, જેના ઘણા દુષ્પરિણામો પણ આપણે સમાચાર અને સોશિયલ મીડિયામાં  સતત જોતા આવ્યા છીએ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ  એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં એક સગીરાને પબજી મોબાઈલ ગેમની એવી ખરાબ લત લાગી ગઈ કે તેની આ આદત છોડાવવા માટે માતા-પિતાને તેનું ભણવાનું જ બંધ કરાવી દેવું પડ્યું અને સગીરાના માતા પિતાએ 181 મહિલા હેલ્પ લાઈનની મદદ લેવી પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં અભયમ મહિલા હેલ્પ લાઈન 181ની ટીમને એક માતા પિતાનો ફોન આવ્યો હતો કે તેમની દીકરી પબજી ગેમના રવાડે એવી ચઢી ગઈ છે કે ઘરના સભ્યો સાથે અવાર નવાર ઝઘડા કરે છે અને વારંવાર ઘર છોડી દેવાની પણ ધમકી આપ્યા કરે છે, જેના બાદ અભયમની ટીમ તેમના ઘરે કાઉન્સિલિંગ કરાવવા માટે ગઈ હતી.

અભયમની ટીમ જયારે તમેન ઘરે પહોંચી ત્યારે ત્યારે સગીરાની માતાએ જણાવ્યું હતું કે તેમની 16 વર્ષની દીકરીને પબજીની લત લાગી ગઈ છે અને તે વારંવાર ખોટું બોલી ઘરેથી નીકળી જાય છે. તે વારંવાર તેના મિત્રોનો મોબાઈલ લઇ આવે છે અને તેમાં પબજી ગેમ રમતી રહે છે, અને બહાર ફર્યા કરે છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું હતું કે તેની આ લતના કારણે તેનું ભણવાનું પણ બંધ કરાવી દીધું હતું.

જેના બાદ અભયમની ટીમ દ્વારા સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું, અને તેને મોબાઈલ વધુ ના વાપરવા માટે પણ સમજાવ્યું હતું, આ ઉપરાંત તેના માતા પિતાને પણ દીકરીને ભણાવવા અને તેનું સ્કૂલમાં પાછું એડમિશન કરાવવા માટે જણાવ્યું હતું. ત્યારે મોબાઈલનો વધુ પડતો વપરાશ કરતા બાળકોના માતા પિતા માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે.

Niraj Patel