અમદાવાદના ચાંદખેડામાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સવારે એક તેજ રફતાર કાર એએમટીએસ બસની પાછળ ધડાકાભેર અથડાઈ. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કારચાલક ઘાયલ છે. કારમાંથી દારૂની બે બોટલ મળી આવી હોવાનું સામે આવ્યુ હતુ.

એરિયા ઈન્ચાર્જ એસીપીએ જણાવ્યું કે કાર ચાલકનું નામ પ્રકાશ કુમાર રાજપૂત હોવાનું સામે આવ્યુ છે. તે ચાંદખેડા શરણ રેસીડેન્સીનો રહેવાસી છે. તે કાર લઈને ઝુંડાલ સર્કલથી ચાંદખેડા તરફ જઈ રહ્યો હતો. ચાંદખેડા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બેદરકારીપૂર્વક કાર ચલાવતા અન્ય લોકોના જીવને જોખમમાં મુકી કાર એએમટીએસ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી એએમટીએસ બસની પાછળના ભાગે અથડાઈ હતી.

કારમાં ફસાયેલા ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો. ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા વિકાસ શુક્લાનું આ અકસ્માતમાં મોત થયુ છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને કારની બોડીને કટરની મદદથી કાપવી પડી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા વિકાસ શુક્લાને સારવાર માટે એસએમએસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જો કે તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

આ સંદર્ભે એએમટીએસ બસના ચાલક પ્રણવસિંહ ચાવડાની ફરિયાદના આધારે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી કાર ચાલક પ્રકાશકુમાર રાજપૂત સામે એફઆઈઆર નોંધી છે. આરોપીની અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હોવાનું સામે આવ્યુ છે.

એક બોટલમાંથી 50 મિલી અને બીજી બોટલમાંથી 40 મિલી દારૂ મળી આવ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે. 28 માર્ચે સવારે બનેલી આ અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે કાર એએમટીએસમાં અડધે સુધી અંદર ઘૂસી ગઇ હતી અને અથડામણને કારણે બસ પણ ધકેલાઇ હતી.