ખબર

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! અમદાવાદમાં 2 વર્ષની બાળકી ગળી ગઇ LED બલ્બ તો બીજી બાળકી ગળી ગઇ સીંગનો દાળો

અમદાવાદમાં 2 વર્ષની દીકરીના બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી- ફેફસા વચ્ચે ફસાયા…જાણો પછી શું થયું

જો તમારુ બાળક કોઇ રમકડા રમી રહ્યુ છે અને તેમાં પણ કોઇ ઇલેક્ટ્રોનિક રમકડા રમી રહ્યા છો તો તમારે સાવધાન થવાની જરૂર છે. કારણ કે હાલમાં અમદાવાદમાંથી બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં એક 2 વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા ઘણી મહેનત બાદ બાળકીની સર્જરી કરવામાં આવી હતી અને બલ્બનો નિકાલ લાવવામાં આવ્યો હતો. એક 2 વર્ષની બાળકી રમકડા રમતી વખતે LED બલ્બ ગળી ગઇ હતી અને તે બલ્બ છેક શ્વાસનળી સુધી પહોંચી ગયો હતો.

LED બલ્બના ઇલેક્ટ્રોડ્સનાે બે છેડામાંથી એક જમણી બાજુના ફેફસામાં અને બીજો શ્વાસનળીમાં ફસાઇ ગયો હતો, જેને કારણે ડોક્ટર્સ દ્વારા સફળ સર્જરી બાદ બલ્બને દૂર કરવામાં આવ્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને સારવાર અર્થે લાવવામાં આવી હતી. 10 ડિસેમ્બરના રોજ બે બાળકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

2 વર્ષની બાળકી કે જેનું નામ જયોતિ છે તે રમકડા રમતી હતી ત્યારે એલઇડી બલ્બ ગળી ગઇ હતી અને તેની માતાને બાદમાં આ બાબતે જાણ થતા તેઓ તાત્કાલિક બાળકીને લઇને 1200 બેડવાળી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં બાળકીનો એક્સ રે કઢાવવામાં આવ્યો અને સીટી સ્કેન કરાવવામાં આવ્યુ, ત્યારે ખબર પડી કે આ બાળકીના શ્વાસનળીમાં બલ્બ ફસાઇ ગયો છે.

આ ઉપરાંત બીજી એક બાળકી એવી હતી જે સીંગનો દાણો ગળી ગઇ હતી. મહેસાણાના હનુભાઇની દીકરી હિનાને છેલ્લા ત્રણેક દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને તે બાદ સ્થાનિક હોસ્પિટલમાં તેનો સિટી સ્કેન કરાવવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે તેની શ્વાસનળીમાં સિંગનો દાણો ફસાઇ ગયો છે અને તે અત્યંત જટિલ અને નિષ્ણાંત તબીબ દ્વારા જ તે દૂર કરી શકાશે તેવું જણાવવામાં આવ્યુ હતુ, ત્યારે આ બાળકીના પિતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા અને ત્યાં તેની સફળતાપૂર્વક સર્જરી ડોક્ટર મહેશ વાઘેલા અને કિરન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

ઉલ્લેખનીય છે કે, 2 વર્ષીય બાળકી જ્યોતિની સમસ્યા અત્યંત જટીલ હોવાથી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ.રાકેશ જોષી અને તેમની ટીમે એનેસ્થેસિયા વિભાગના ડૉ. સીમા ગાંધીના સહયોગથી સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.આ ઉપરાંત ડોક્ટર દ્વારા પાંચ વર્ષથી નાના બાળકોને એવા રમકડાથી દૂર રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો કે જેનાથી બાળકોને સમસ્યા થઇ શકે અને તેઓ રમવા રમવામાં કોઇ એવી વસ્તુ ના ગળી જાય કે જેના કારણે બાળક ગંભીર મુશ્કેલીમાં ફસાઇ જાય.