અમદાવાદ : ફરી એકવાર બની BRTS બસ બેફામ,એક્ટિવા ચાલકને લીધો અડફેટે અને મોત થતા રસ્તા વચ્ચે ભરાયા લોહીના ખાબોચિયા

અમદાવાદમાં ફરી એકવાર BRTS બસ બેફામ બની છે. આ પહેલા પણ ઘણી BRTS અકસ્માતની ઘટના સામે આવી છે, ત્યારે આજે શાસ્ત્રીનગર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત થયુ છે અને જે બાદ પોલિસે BRTS બસ ચાલકની અટકાયત કરી છે. અમદાવાદના પલ્લવ ચાર રસ્તા પાસે વહેલી સવારે BRTS ની ટક્કરે એક એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે. મૃતક છાપા વિતકર હોવાનું સામે આવ્યુ છે, ત્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હોબાળો મચી જવા પામ્યો છે.

132 રીંગ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલી BRTS બસ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી અને ગંભીર ઇજાને કારણે ચાલકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયુ હતુ. મૃતક જલુભાઈ દેસાઈ ચાણકયપુરીમાં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. તેઓ રોજની જેમ આજે પણ કામ સવારે અખબાર નાખવા માટે ગયા હતા.

લગભગ 6.30 વાગ્યા આસપાસ એક્ટિવા લઇ ઘરે પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ પલ્લવ ચાર રસ્તા પાસે રોંગ સાઇડમાં આવેલ BRTS બસે ટક્કર મારી હતી અને તેમનું મોત થયુ હતુ, ઘટના સ્થળે લોહીના ખાબોચિયા પણ ભરાયા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ છે. મૃતકના પરિવારજનોએ BRTS હાય-હાયના નારા લગાવ્યા. ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

Shah Jina