‘મારા ભૂતકાળ સાથે મારા પુત્રને કોઈ લેવાદેવા નથી.., એ દારૂ પીતો જ નથી’ જાણો નબીરાના પિતાએ બીજું શું શું કહ્યું
Ahmedabad Accident Case : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાતે એક જગુઆર કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા અને આ અકસ્માતમાં એક પોલીસકર્મી અને એક હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા, જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે રાત્રે એક વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો અને આને જોવા માટે લોકો ભેગા થયા. એ સમયે જ જેગુઆર કારે અકસ્માત જોઇ રહેલા લોકોને અડફેટે લીધા. ત્યારે ઘટના બાદ આરોપીના ઘરે ઝી24 કલાકની ટીમ પહોંચી અને આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે વાતચીત કરી.
આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે વાતચીત
અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આ અકસ્માત મામલે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને સવાલો કર્યા ત્યારે તેમણે આખી ઘટના વિગતવાર જણાવી. પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે, રાત્રે તેમની પત્ની પર કોઈનો ફોન આવ્યો અને કહ્યુ કે તથ્યનો અકસ્માત થયો છે. પછી મને વાત મળી કે મારા છોકરાને ત્યાં ટોળાએ ઘેરી લીધો છે એટલે હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો. લોકો મારા છોકરા સાથે હાથાપાઈ કરી રહ્યાં હતા એટલે હું મારા દિકરાને લઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો. જો કે, ત્યાંથી નીકળતી વખતે મેં આ મામલે સેટેલાઈટ પીઆઈને કોલ કરીને માહિતી પણ આપી.
અકસ્માત સમયે 100થી વધારેની સ્પીડ નહોતી
તેમણે આગળ જણાવ્યુ કે આ કેસમાં તેમણે પોલીસને પુરતો સહકાર આપવાની વાત કરી હતી.તથ્ય પટેલના પિતાએ જણાવ્યું કે, તે ઘણીવાર આ રીતે પોતાના મિત્રો સાથે બહાર ફરવા જતો હોય છે અને એજ રીતે તે ગઇકાલે પણ ગયો. તેની સાથે ગાડીમાં બીજા પણ ચાર-પાંચ છોકરા છોકરીઓ હતાં. તે તેના ગ્રૂપના છે. તેનું 20થી વધારે મિત્રોનું ગ્રૂપ છે એટલે કોણ હતા તે મને નથી ખબર. હું તેમને નથી ઓળખતો. હું મારા દિકરાને ઓળખું છું એના પરથી ખબર છે કે અકસ્માત સમયે 100થી વધારેની સ્પીડ નહતી. પ્રજ્ઞેશ પટેલે વધુમાં કહ્યુ કે મેં તેના બીજા મિત્રોને પૂછ્યું અને તેમણે જણાવ્યુ કે, ના અંકલ આટલી બધી સ્પીડ નહોંતી.
60થી વધારે સ્પીડમાં કાર ચાલતી હતી એ સાવ ખોટી : આરોપીના પિતા
તેઓએ કહ્યુ કે મારા અંદાજે 85-90થી વધારે સ્પીડ નહોતી. એની કારમાં ઓવર સ્પીડનું બર્ઝર વાગે એનાથી વધારે સ્પીડમાં એ ક્યારેય ગાડી ચલાવતો જ નથી. તેમણે કહ્યુ કે જે વાતો થઇ રહી છે કે 160થી વધારે સ્પીડમાં કાર ચાલતી હતી એ સાવ ખોટી છે.તેમણે એવું પણ કહ્યુ કે આ પહેલા ક્યારેય કોઇ અકસ્માત થયો નથી અને એ ગાડી બહુ ફાસ્ટ ચલાવતો પણ નથી. તેમણે કહ્યુ કે મારો દિકરો સાવ સીધો સાદો છે અને પોતાની જિંદગીમાં તેણે આજ સુધી ક્યારેય પાન-મસાલો કે સીગારેટ-બીડી પણ નથી પીધા અને દારૂ પીવાનો તો સવાલ જ નથી. તેણે આજ સુધી ક્યારેય નશો નથી કર્યો અને તેને કોઇ વ્યસન પણ નથી.
મારા ભૂતકાળ સાથે મારા દિકરાને કોઈ લેવાદેવા નથી
બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે કહ્યુ- ઘટનાની જાણ થયા બાદ તે તરત સ્થળ પર દોડી ગયા અને ત્યારે લગભગ 500 લોકોનું ટોળું મારા છોકરાને મારી રહ્યુ હતુ, એટલે તેને છોડાવી ઈજા પહોંચી હોવાથી હું હોસ્પિટલ લઈ ગયો. તેમણે કહ્યુ કે મેં કોઈને બંદૂક નથી બતાવી. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ કે મારા ભૂતકાળ સાથે મારા દિકરાને કોઈ લેવાદેવા નથી અને ભૂતકાળ વિશે હું અત્યારે કોઈ વાત પણ નથી કરવા માંગતો. જણાવી દઇએ કે, તથ્ય કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે કોલેજ ઓછો જાય છે પણ ઘરેથી જ વધુ અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છે કે, તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરૂદ્ધ વર્ષ 2020માં રાજકોટમાં થયેલાં ગેંગરેપમાં ફરિયાદ નોંધાઇ હતી. જો કે, તેમણે આ મુદ્દે ઝી24 કલાક સાથે વાત કરવાનો ઈનકાર કર્યો.
કાયદા મુજબ બધા સહકાર આપીશ
તેમણે અકસ્માત વિશે જણાવ્યું કે, કાયદા પ્રમાણે એ જે થાય એ કરવા તૈયાર છું. કાયદા મુજબ બધા સહકાર આપીશ. તેમણે એવું પણ જણાવ્યુ કે, તથ્ય અને એના મિત્રો પોલીસ સમક્ષ હાજર થશે. તેમણે મૃતકો માટે કહ્યુ- અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, એ બહુ ખોટું થયું અને એના માટે સોરી. હું આ ઘટનામાં ભોગ બનનાર દરેક વ્યક્તિના પરિવાર સાથે રહેવા તૈયાર છું. પરિવાર જે કહેશે એ કરવા પણ તૈયાર છું અને દંડ ભોગવવા પણ તૈયાર છું. એ લોકો મને મારવા માંગતા હોય તો પણ હું માર ખાવા પણ તૈયાર છું. જરૂરી સહાય આપવા પણ હું તૈયાર છું. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે, વિસ્મયનો હીટ એન્ડ કેસ મને ખ્યાલ છે. હું પણ મારા દિકરા માટે જરૂર પડશે તે બધુ જ કરીશ. કાયદાકિય પ્રક્રિયાને ફોલો કરીશ અને તપાસમાં પણ સહકાર આપીશ.
સૌજન્ય : ઝી24 કલાક ગુજરાતી