Ahmedabad Accident Accused Father Reaction : અમદાવાદમાં ગત રાતે એક ખૂબ જ હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો. જેમાં ઇસ્કોન બ્રિજ પર રાતે એક વાગ્યા આસપાસ થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અને તેને જોવા કેટલાક લોકો ટોળે મળી ઊભા હતા, આ દરમિયાન જ એક તેજ રફતાર જેગુઆર આવી અને કેટલાક લોકોને અડફેટે લીધા. આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે, જેમાં એક પોલિસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાન સામેલ છે.
આરોપીના પિતા અને વકીલે માનવતા મૂકી નેવે
આ અકસ્માતનો આરોપી કારચાલક કે જે તથ્ય પટેલ છે તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસની નજર હેઠળ પણ છે. તેની સામે માનવવધનો ગુનો નોંધાયો છે અને આ કેસમાં ટ્રાફિક PI વી.બી. દેસાઈ ફરિયાદી બન્યા છે. હોસ્પિટલમાંથી તથ્ય ડિસ્ચાર્જ થશે ત્યારે તેની ધરપકડ થશે. આ વચ્ચે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનનું નિવેદન સામે આવ્યું છે. આરોપીના પિતા અને વકીલે તો માનવતા નેવે મુકી દીધી હોય તેમ તેમના નિવેદન પરથી લાગી રહ્યૃુ છે. પ્રજ્ઞેશ પટેલે પોતાના દીકરાનો બચાવ કરતા કહ્યુ, ઘટનાની જાણ થતાં તે ઇસ્કોન બ્રિજ પર પહોંચ્યા ત્યારે લોકો મારા દીકરાને માર મારી રહ્યા હતા,
ભાગીદારના નામે છે કાર
એટલે હું તેને લઈને ત્યાંથી નીકળી ગયો. માથા પરથી લોહી નીકળી રહ્યું હોવાથી મને કોઈ વિચાર ન આવ્યો. તેમનું કહેવુ છે કે તથ્ય પાસે લાયસન્સ છે અને હું કોર્ટ જે કહેશે તે કરવા માટે તૈયાર છું. મેં પોલીસને ફોન પણ કર્યો કે મારા દીકરાથી એક અકસ્માત થયો છે અને હું એને લઇને સિમ્સ હોસ્પિટલ જઉ છું, હું ત્યાંથી ભાગી નથી જવાનો. તમારે ત્યાં આવવું હોય તો આવજો. આ ઉપરાંત કાર અંગે પૂછ્યુ તો તેમણે કહ્યુ- આ ગાડી ભાગીદાર ક્રિશ વારિયાના નામે છે. પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે, તથ્ય ઘરેથી 11 વાગ્યે કેફેમાં જવા માટે નીકળ્યો હતો અને અકસ્માત સમયે ગાડીમાં તેના મિત્રો પણ હતો.
અકસ્માત સમયે ગાડીમાં એકલો નહોતો તથ્ય પટેલ
જેમાં બે-ત્રણ યુવતીઓ હતી, તે પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવા પણ તૈયાર છે. પોલીસનો ફોન આવશે ત્યારે તેઓ જશે. આરોપીના વકીલે નિશાર વૈધે તો હદ કરી દીધી, તેણે દોષનો ટોપલો સીધો જ અકસ્માત સ્થળે ઉભેલા લોકો પર ઢોળ્યો. તેમણે જણાવ્યું ગાડીની સ્પીડ 160ની નહોતી અને રોડની વચ્ચે થાર અને ટ્રક ઉભી હતી. લોકોનું ટોળું રોડની વચ્ચે ભેગું થઇ ગયું હતું. લાઈવ ટ્રાફિક હતો અને વરસાદ પણ હતો. પોલીસ તપાસ કરશે તેમાં હકીકત સામે આવશે. અમે પોલીસને સહકાર આપવા માટે તૈયાર છીએ.