દહેગામના ત્રણ મિત્રો જન્મ દિવસની ઉજવણી કરવા એક્ટિવા ઉપર જતા હતા અને ડમ્પરે મારી ટક્કર, બે પરિવારના એકના એક કુળ દિપક હોલવાયા

ગાંધીનગરમાં થઇ હૃદયદ્રાવક ઘટના! જન્મદિવસની ઉજવણી થાય એ પહેલા જ તડપી તડપીને થયું અવસાન- જાણો વિગત

દેશમાંથી અને રાજ્યમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલ એક ખબર દહેગામથી આવી રહી છે, જેમાં જન્મ દિવસની ઉજવણી કરવા માટે એક્ટિવા ઉપર જઈ રહેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો અને તેમાંથી બે મિત્રોના મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસે ગઈકાલે રાત્રિના સમયે જન્મ દિવસની ઉજવણી કરવા માટે ત્રણ મિત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ દરમિયાન જ પાછળથી ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં એક મિત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે જે મિત્રનો જન્મ દિવસ હતો તે મિત્રનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

આ અકસ્માતમાં એક અન્ય મિત્ર ઘાયલ થયો હતો જેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર એક મિત્રનો જન્મ દિવસ હોવાના કારણે હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા, ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર દહેગામના મયૂર મોહનભાઇ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન અને મયૂર સુધીરભાઈ ઠાકોર હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે એક્ટિવા મયૂર લાખાણી ચલાવતો હતો. આ દરમિયાન લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.

આ ગમખ્વાર અકસ્માત થતાં જ ત્રણેય મિત્રો એક્ટિવા પરથી ઊછળીને જમીન પર પટકાયા હતા, જેના કારણે નીલ અમીનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બન્ને મિત્રને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને જોતા જ રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફત મયૂર લાખાણીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તેમજ મયૂર ઠાકોરને ખાનગી એમ્બ્યુલન્સમાં દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં ગંભીર ઈજાગ્રસ્ત મયૂરની સારવાર શરૂ કરાઈ હતી, પરંતુ થોડીક વારમાં જ તેનું પણ અકાળે અવસાન થયું હતું.

Niraj Patel