લીંબડી હાઈવે પર ટેમ્પો ટ્રાવેલર્સ-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સોમનાથ-દ્વારકા દર્શનેથી પરત ફરતા 6ના મોત- જુઓ
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (NH) 47 પર મોરવાડ ગામના પાટિયા પાસે બ્રિજ પર એક ગોઝારો અકસ્માત સર્જાયો. સોમનાથ-દ્વારકા દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો, રાજકોટથી અમદાવાદ તરફ જતી ટેમ્પો ટ્રાવેલર્સ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં પહેલા 5 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હોવાની ખબર હતી જ્યારે મૃત્યુઆંક હવે 6 થયો છે.
આ દર્શનાર્થીઓની અમદાવાદથી રાત્રે ફ્લાઈટ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી. આ અકસ્માતમાં ઘાયલો થયાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લીંબડી DySP પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
તેમણે જણાવ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યુ છે કે ઓવરટેક કરવામાં ગાડી પાછળથી અડી હોય, ગાડીમાં ભારે નુકસાન થયું છે, આગળ જે બેસેલા છે એમાંથી પાંચેક લોકોના મૃત્યુ થયા છે. એ લોકોના પીએમ માટે લીંબડી ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પશ્ચિમ બંગાળથી એક ગ્રુપ સૌરાષ્ટ્ર પ્રવાસ માણવા આવ્યું હતું.
સોમનાથ અને દ્વારકા દર્શન કરીને પરત ફર્યા બાદ તેઓની અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે ફ્લાઈટ હતી, જો કે આ દુર્ઘટનાએ તેમના પ્રવાસને દુઃખદ બનાવ્યો. સાયલા-લીંબડી હાઇવે પર મોરવાડ ગામ પાસે ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલર્સ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે દસેક જેટલા ગંભીર રીતે ઘાયલ થયા છે.