ખબર

સુરતમાં કાપડના વેપારીએ 10માં માળેથી કૂદીને મોતને કર્યું વ્હાલું, હાલમાં જ આવ્યો હતો વિદેશથી પરત, જાણો સમગ્ર મામલો

રાત્રે મિત્રો સાથે સોસાયટીમાં જ ગરબા રમ્યો અને અચાનક 10માં માળે જઈને કાપડના વેપારીએ કરી લીધો આપઘાત, 6 મહિના પહેલા જ થયા હતા લગ્ન

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ માનસિક તણાવમાં આવીને આપઘાત કરી લેતા હોય છે, તો ઘણીવાર પારિવારિક ઝઘડાના કારણે પણ ઘણા લોકો મોતને વહાલું કરવાનું વિચારી લેતા હોય છે ત્યારે આવો જ એક આપઘાતનો ચકચારી ભરેલો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં એક કાપડના વેપારીએ 10માં માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી ગ્લોરિયસમાં બીજા માળ ઉપર રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા 28 વર્ષીય નીતિન મહેન્દ્રભાઈ જૈને તેમની જ બિલ્ડીંગના 10માં માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. નીતિનની રિંગરોડ ખાતે આવેલા ઇન્ડિયન માર્કેટમાં કાપડની દુકાન છે. ગત શુક્રવારના રોજ તે તેમના નિવાસસ્થાને જ 10માં માળે રહેતા કોઈ સંબંધીને મળવા માટે ગયો હતો, અને ત્યાંથી જ તેને મોતની છલાંગ લગાવી દીધી.

પરિવારને આ ઘટના અંગે જાણ થતા જ નીતિનને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. આ મામલે ઉમરા પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નીતિનના લગ્ન છ મહિના પહેલા જ થયા હતા.

 

આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન તે ઘરમાં કોઈને કહ્યા વગર જ ક્યાંક ચાલ્યો ગયો હતો, જેની ફરિયાદ પણ ઉંમર પોલીસમાં નોંધવામાં આવી હતી, પરંતુ 2 દિવસ બાદ જ તે પરત આવી ગયો હતો. ત્યારે તે કોઈને કહ્યા વગર જ મોરેશિયસ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો હોવાના કારણે તે હાઈપોઈ ગ્લોરિયસમાં મિત્રો સાથે ગરબા પણ રમ્યો હતો અને અચાનક તેને કેમ આવું આત્મઘાતી પગલું ભર્યું તે રહસ્ય બની ગયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.