જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચ હોય છે, ત્યારે ઉત્સાહનું લેવલ કંઇ અલગ જ હોય છે. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું, ક્રિકેટ ચાહકોની અજીબોગરીબ હરકતો, દર્શકોના હાથમાં બેનરો અને શોર… આ એવું છે જે ભારત-પાકિસ્તાન મેચને વધુ રસપ્રદ બનાવે છે. આ મેચ દરમિયાન ઘણી બધી બાબતો વાયરલ પણ થાય છે, પરંતુ આ સિવાય બીજી એક વાત છે- મેચ કવર કરી રહેલા કેમેરામેનનું ફોકસ.

ક્યારેક તે દર્શકોના ઉત્સાહને કેદ કરે છે, તો ક્યારેક મનપસંદ બેટ્સમેનના આઉટ થવા પર ચાહકોની નિરાશા…ક્યારેક ચોગ્ગા અને છગ્ગા પર દર્શકોની ખુશી…પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં એક બીજી વાત છે- સુંદર ચહેરાઓ, જેની ચર્ચા મેચ પૂરી થયા પછી પણ સોશિયલ મીડિયા પર થઇ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં પણ આવું જ બન્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સોશિયલ મીડિયા પર જીત અને હારની ચર્ચાની સાથે કેમેરામેનના લેન્સના ફોકસ વિશે પણ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર એવા ઘણા સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે, જ્યાં કેમેરામેને સુંદર ચહેરાઓ પર ફોકસ કર્યુ.

લાંબી રાહ બાદ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો થયો, ત્યારે ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની અપેક્ષા રાખતા હતા, પરંતુ તે સંપૂર્ણપણે એકતરફી સાબિત થયું. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સરળતાથી 6 વિકેટથી હરાવ્યું અને ચાહકોની આશાઓ પર પાણી ફેરવી દીધું. આ જીતથી ભારતીય ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ ફેલાયો હતો, પરંતુ પાકિસ્તાની ચાહકોનું દિલ તૂટી ગયું હતું.