હાલ આખા દેશમાં મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળે છે. ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને લોકોનું જીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘણી જગ્યાએ તો ઘરોમાં પણ પાણી ઘુસી આવ્યા છે, તો વરસાદના સમયે પાણી સાથે ઘણીવાર ઝેરી પ્રાણીઓ પણ તણાઈ આવતા હોય છે. વડોદરાની ગલીઓમાં મગર તણાતા ઘણીવાર જોવા મળે છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફળિયાની અંદર મગર તરતો જોવા મળે છે.
વાયરલ થઇ રહેલો મગરનો વીડિયો વડોદરાનો નહિ પરંતુ મધ્ય પ્રદેશના શિવપુરીનો છે, રવિવાર 14 ઓગસ્ટે મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. અહીં વરસાદથી લોકો પરેશાન હતા કે શિવપુરી જિલ્લામાં આવી ઘટના બની હતી, જેનાથી લોકો વધુ પરેશાન થઈ ગયા હતા. રહેણાંક વસાહતમાં વરસાદી પાણીની સાથે મગરોની એન્ટ્રી થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરસાદના કારણે જ્યાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે ત્યાં ઘરોની વચ્ચેથી એક મગર પસાર થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો ઘરની છત પર ચડતા જોઈ શકાય છે. મગરને આ રીતે ખુલ્લા ફળિયાની અંદર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમને ગભરામણ પણ થઇ ગઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર (SDOP) અજય ભાર્ગવે જણાવ્યું કે આ મગરને વહેલી સવારે જૂના બસ સ્ટેન્ડ પાસેની કોલોનીમાં જોવામાં આવ્યો હતો, ત્યારબાદ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કોલોનીમાં હંગામો મચ્યા બાદ માધવ નેશનલ પાર્કમાંથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી અને કલાકોની જહેમત બાદ મગરને પકડવામાં આવ્યો હતો.
Crocodile in shivpuri m.p pic.twitter.com/D2kVvDmlAH
— Pankaj Arora (@Pankajtumhara) August 14, 2022
આ આઠ ફૂટ લાંબા મગરને બાદમાં સાંખ્ય સાગર તળાવમાં છોડી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે મગર ત્યાંથી પસાર થતા નાળામાંથી કોલોનીમાં ઘુસ્યો હશે. મગરના રેસ્ક્યુ કર્યા બાદ સ્થાનિક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. વાયરલ વીડિયોને જોઈને પણ ઘણા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.