“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મે સ્થાપ્યો નવો કીર્તિમાન, કમાણીના મામલામાં “સૂર્યવંશી” અને “ગંગુબાઈ”ને પણ પછાડી દીધી, જુઓ અત્યાર સુધી કેટલી કરી કમાણી

છેલ્લા થોડા દિવસમાં દેશવાસીઓના મોઢા ઉપર એક જ ફિલ્મની ચર્ચાઓ સતત થતી જોવા મળી રહી છે. “ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વેદનાને ઉજાગર કરવામાં આવી છે, ત્યારે લોકો પણ આ ફિલ્મને અચૂક માણી રહ્યા છે, જેના કારણે બોક્સ ઓફિસ ઉપર પણ આ ફિલ્મ તગડી કમાણી કરી રહી છે.

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” બોક્સ ઓફિસ પર નોન-સ્ટોપ કમાણી કરી રહી છે. 11 માર્ચથી સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મને હાઉસફુલ શો મળી રહ્યા છે. 3.55 કરોડની શરૂઆત પછી, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે બીજા દિવસથી ડબલ ડિજિટમાં કલેક્શન કરવાનું શરૂ કર્યું. હવે પાંચમા દિવસે ફિલ્મનું કલેક્શન 50 કરોડને પાર કરી ગયું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન શેર કર્યું છે. તેણે લખ્યું- ‘#TheKashmirFiles બોક્સ ઓફિસ પર સુનામી જેવું છે….ફેન્ટાસ્ટિક ટ્રેન્ડિંગ, ફૂટફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ બધું જ વધી રહ્યું છે… બાકીના દિવસો કરતાં 5મો દિવસ વધુ…બ્લૉકબસ્ટર… શુક્રવાર 3.55 કરોડ, શનિવાર 8.50 કરોડ, રવિવાર 15.10 કરોડ, સોમવાર 15.05 કરોડ, મંગળવાર 18 કરોડ, કુલ – 60.20 કરોડ.

“ધ કાશ્મીર ફાઇલ્સ”નો આ આંકડો ખૂબ જ અદભૂત છે. આ નાના બજેટની ફિલ્મે પાંચ દિવસમાં એટલું સારું કલેક્શન કરીને સાબિત કર્યું છે કે એક સારી વાર્તા આજે પણ પસંદ કરવામાં આવે છે. ફિલ્મનું આટલું જબરદસ્ત કલેક્શન વીકએન્ડ સિવાય અઠવાડિયાના દિવસોમાં પણ ખુબ જ આશ્ચર્યજનક છે.

“ધ કાશ્મીર ફાઇલ્સે” આ મામલે પ્રી-કોવિડ રિલીઝ ફિલ્મો ‘સૂર્યવંશી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ’83’ને પણ પાછળ છોડી દીધી છે. પાંચમા દિવસે એટલે કે મંગળવારે ‘સૂર્યવંશી’એ 11.22 કરોડ, ‘ગંગુબાઈ’ 10.01 કરોડ અને ’83’ માત્ર 6.70 કરોડની કમાણી કરી શકી. તો કોવિડ પહેલાના સમયમાં રિલીઝ થયેલી ‘તાનાજી’એ 15.28 કરોડ રૂપિયા અને ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકે 9.57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

“ધ કાશ્મીર ફાઇલ્સ”ની ટીમ પીએમ મોદીને પણ મળી હતી અને તેમને પણ આ ફિલ્મના ખુબ જ વખાણ કર્યા હતા. જેના બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ પણ ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ”ની ટીમને મળ્યા છે. જેની માહિતી ફિલ્મના અભિનેતા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા પર આ શેર કરી છે.

Niraj Patel