અમદાવાદ : સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી યુવકે લગાવી દીધી છલાંગ, ઘટના થઇ કેમેરામાં કેદ

રાજય અને દેશભરમાંથી ઘણીવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે અને કયારેક કયારેક આપઘાત કરનારાઓનો જીવ પણ બચી જતો હોય છે. કહેવાય છે ને કે જા કે રાખે સાઇયાં માર શકે ના કોઇ. આવી જ એક કહેવત હાલમાં સાચી પડતી જોવાઇ રહી છે. અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિએ ચોથા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક પતરા પર પટકાયો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

આજે સવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી કૂદી એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી જો કે, તેને ત્યાં હાજર રહેલ લોકોએ બૂમો પાડી રોકવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માન્યો ન હતો.

આખરે તેણે ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જો કે, તે નીચે પતરા પર પડતા તેનો જીવ બચી ગયો હતો. લોકોએ તેને બચાવવા માટે ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને હોસ્પિટલમાં હાજર બે ગાડીઓ ત્યાં પહોંચી હતી. ફાયરબ્રિગેડના અધિકારીઓ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા  પરંતુ આ દરમિયાન તેણે કૂદકો માર્યો હતો.

તેને હાલ તો હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જો કે, હવે તો યુવકના ભાનમાં આવ્યા બાદ જ જાણ થશે કે તેણે કેમ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Shah Jina