Donates 43.5 acres of land to Khodaldham :આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે દાન પુણ્ય કરતા હોય છે અને ઘણા લોકો તો એવા પણ હોય છે જે પોતાનું સર્વસ્વ અર્પણ પણ કરી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના ધોરાજીમાંથી સામે આવી છે, જ્યાં એક 90 વર્ષના માજીએ પોતાની 43.5 વીઘા જમીનને ખોડલધામના નામે કરી દીધી છે. જેના માટે તેઓ સ્ટ્રેચર પર સબ રજિસ્ટ્રારની કચેરીમાં વસિયતનામું લખાવવા માટે પહોંચ્યા હતા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં આવેલા પરબડી ગામમાં રહેતા 90 વર્ષીય માજી નંદુબેન પાઘડારે પોતાની 43.5 વીઘા જમીનને કાગવડ ખોડલધામ ટ્રસ્ટને અર્પણ કરવાનો અનોખો નિર્ણય કર્યો હતો. આ જમીનનું વસિયતનામું મામલતદાર સમક્ષ લખાવવા માટે તે 5 જૂનના રોજ સ્ટ્રેચર પર સબ રજિસ્ટ્રારની ઓફિસ ગયા હતા. ત્યારે તેમના આ કાર્યને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ વંદન કરીને બિરદાવ્યું હતું.
ત્યારે હવે લોકો પણ નંદુબેનના આ સમપર્ણ ભાવને જોઈને ગદગદ થઇ રહ્યા છે અને અને તેમની આ દરિયાદિલીના વખાણ પણ કરી રહ્યા છે. નંદુબેનની તબિયત એટલી સારી નથી, ઉંમર વધુ હોવાના કારણે તે હવે ચાલી પણ નથી શકતા. છતાં આ ઉંમરે પણ તેમના અડગ નિર્ણયની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે. તેમજ ખોડલધામના હોદ્દેદારો પણ તેને શત શત નમન કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે નંદુબેનના પતિનું નિધન 20 વર્ષ પહેલા જ થઇ ચૂક્યું હતું અને તેઓ તેમના ભાઈના ઘરે રહેતા હતા. ત્યારે તેમને પાટીદારોના આસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખોડલધામને પોતાની 43.5 વીઘા જમીન દાન કરવાનો નિર્ણય લઈને એક અનોખી મિસાલ પુરી પાડી છે.