અમરેલીમાં આવેલ ગાવડકા ગામ નજીક શેત્રુંજી નદીમાં 4 યુવાનો સાંજના સુમારે નહાવા માટે ગયા હતા.આ દરમિયાન નહાવા પડેલા ચાર યુવાનોનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નદીમાં નહાવા પડેલા ચાર યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. નદી કાંઠેથી યુવાનોના કપડાં મળી આવ્યા હતા, જેના આધારે બાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી તાલુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
નદીમાંથી એક પછી એક યુવાનની શોધખોળ હાથ ધરી બહાર કાઢવામાં આવ્યા હતા. બાદમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં યુવાનોની બોડીઓ લઈ જવામાં આવી છે.હાલ મળી રહેલી વિગતો અનુસાર મૃતકોમાં ભાર્ગવ રમેશભાઈ રાઠોડ (ઉં.વ. 20), નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા (ઉં.વ. 18), કૌશિક મુળજીભાઈ રાઠોડ (ઉં.વ. 21) અને કમલેશ ઉર્ફે સાગર ખોડાભાઈ દાફડાનો (ઉં.વ. 27) સમાવેશ થાય છે.
આ મૃતકો ચલાલા નજીક આવેલ મીઠાપુર ડુંગરીના રેહવાસી છે. અલગ અલગ યુવાનો મિત્રો સાથે નાહવા નદીમાં આવ્યા હતા અને આ ઘટનામાં મોત મળતા પરિવાર અને નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.