રવિવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે બન્યો ગોઝારો, એક જ દિવસમાં સર્જાયા 3 ગમખ્વાર અકસ્માત, 8 લોકોના મોત, જાણો સમગ્ર મામલો

3 accidents in a single day in Saurashtra : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતમાં કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે રવિવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે કાળા દિવસ સમાન બની ગયો, એક જ દિવસમાં સર્જાયેલા 3 ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. જેમાં સુરેન્દ્ર નગર જિલ્લામાં થયેલા અકસ્માતની અંદર 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે કંપારી છૂટી જાય તેવી અકસ્માતની ઘટના સામે એવી હતી. ટ્રેલર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં બ્લાસ્ટ સાથે બંને વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી અને તેમાં ડ્રાઈવર સહિત બે લોકો જીવતાં ભૂંજાયા હતા. જ્યારે ડમ્પર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો. જેથી તેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રેલર ચાલક તેમજ અન્ય એક વ્યક્તિનાં મોત થયાં છે. જો આગ નજીકમાં આવેલા એક પેટ્રોલપમ્પ સુધી પહોંચી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હોત.

તો બીજા અકસ્માતની અંદર પીપળી-વટામણ હાઈવે ભોળાદ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ નીકળો ગયો હતો. આ અકસ્માત વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તો ત્રીજા અકસ્માતમાં ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર રોડ અકસ્માત થયો છે. અહીં પૂરપાટ ઝડપે આવતા વાહને પદયાત્રાળુના સંઘને કચડી નાખ્યા. દુર્ઘટનામાં 3 પદયાત્રીના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને ભાવનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના વરસોલાથી ભાવનગર યાત્રાળુઓનો સંઘ જતો હતો.  પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel