આંધળો પ્રેમ: 25 વર્ષની પરિણીતાને ઓનલાઈન ગેમ રમતાં રમતાં પ્રેમ પાંગર્યો, છેક બંગાળથી વિદ્યાનગર આવી અને…

પ્રેમ આંધળો તો હોય, બુદ્ધિ વગરનો પણ હોય? 18 વર્ષના પ્રેમીએ કહ્યું તું મળવા આવ નહીંતર નહીં બોલું યુવતી તો આવી ગઈ પણ પછી જે થયું..હે ભગવાન

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, લોકો પ્રેમ માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે. લોકો તો પ્રેમમાં કોઇ નાત-જાત કે ઊંચ-નીંચના ભેદભાવ પણ જોતા નથી. ત્યારે પ્રેમ આંધળો હોવાની કહેવત સાર્થક કરતા ઘટના સામે આવી છે જેમાં 25 વર્ષિય પ્રેમિકા બંગાળથી 18 વર્ષના યુવકને મળવા માટે પોંહચી અને આ મામલે ભારે હોબાળો મચી ગયો. આ પ્રેમિકાએ યુવક સાથે રહેવાની જીદ કરી હતી અને તેને પગલે ઘરના એક સભ્ય દ્વારા 181મી મદદ લેવાઇ જેને પગલે આ ઘટના પ્રકાશમાં આવી.

બંગાળી યુવતીને સોશિયલ મીડિયા અને એક મોબાઇલ ગેમ દ્વારા આ યુવક સાથે પરિચય થયો હતો. બાદમાં પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી પરણેલી છે અને તેને ચાર વર્ષનું બાળક છે. તેનો પતિ વેપારી છે. આ પરિણીત યુવતી છેક બંગાળથી પોતાના 4 વર્ષના સંતાનને લઈને વિદ્યાનગર યુવકના ઘરે પહોંચી ગઈ હતી. યુવાન હજી 18 વર્ષનો હતો જેથી પરિવારે આ સંબંધને મંજૂર કર્યો ન હતો અને અભયમની મદદ લીધી હતી.

પરિણિત મહિલા યુવકના કહેવા પર આણંદના વિદ્યાનગર આવી પહોંચી હતી. તેણે પોતાના ઘરે જવાની ના કહી અને તે યુવક સાથે જ રહેવાની જીદ પકડી જેથી પરિવાર દ્વારા 181 અભયમની મદદ લેવાઇ હતી અને તેને સમજાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી. તેના પતિને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી.

આ દરમિયાન એક મહત્વની વાત સામે આવી હતી કે યુવતી વિદ્યાનગર એ માટે આવી હતી કારણ કે યુવકે તેની સામે શરત મૂકી હતી કે જો તે મળવા આવશે તો જ આગળ તેની સાથે વાત કરશે. જેથી પરિણીતા વિદ્યાનગર આવવા તૈયાર થઈ હતી. યુવકે જ તેને ટ્રેનમાં રિઝર્વેશન ટિકિટ કરાવી આપી હતી અને યુવકના ઘરે પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે,અભયમ 181 ટીમે કાઉન્સેલિંગ કર્યુ તે જૂઠ્ઠુ બોલી હતી કે તેના પતિ તેને હેરાન કરે છે અને તેના મા બાપ નથી. બાદમાં ધીમે ધીમે તેની સાથે વાત થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. આ યુવતિને તેના પતિને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Shah Jina