અમેરિકાનું ગ્રીન કાર્ડ લેવાના ચક્કરમાં કામરેજની મહિલા સાથે થઇ છેતરપિંડી, અમદાવાદના દંપતીએ લાખો રૂપિયા ખંખેરી લીધા

ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેમને વિદેશ જવાનો મોહ હોય છે અને તેમાં પણ લંડન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં જવાની લાલચે ઘણા લોકો લૂંટાઈ પણ જતા હોય છે. ઘણા એવા ફ્રોડ એજન્ટ હોય છે જે આવા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. થોડા સમય પહેલા જ કલોલનો એક પટેલ પરિવાર કેનેડા-યુએસ બોર્ડર ઉપર ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાના ચક્કરમાં મોતને ભેટ્યો હતો અને તેમને પણ એજન્ટને એક કરોડથી પણ વધારે રકમ ચુકવવાની હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે હાલ વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં રહેતી એક મહિલાને અમેરિકાનું બિઝનેસ ગ્રીન કાર્ડ આપવાનું બહાનું કાઢીને અમદાવાદના એક દંપતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી અને 20 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા. આખરે અમદાવાદના દંપતી દ્વારા ફોન બંધ કરી દેવામાં આવતા મહિલાએ આ દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો ગુન્હો નોંધાવ્યો હતો, જેના બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર કામરેજના નીલકંઠ સોસાયટીમાં પોતાના પુત્ર સાથે રહેતા ગીતાબેન રેશમિયા નામના મહિલા વર્ષ 2012થી અમદાવાદમાં નોકરી કરે છે. આ દરમિયાન તેમનો સંપર્ક પારુલ રાઠોડ નામની મહિલા સાથે થયો હતો. જેના બાદ પારુલે તેના પતિ દિપક શાહ દ્વારા અમેરિકાનું બિઝનેસ ગ્રીન કાર્ડ આપવાની વાત જણાવી હતી.

જેના કારણે ગ્રીનકાર્ડની લાલચમાં આવીને ગીતાબેને દંપતીને 20 લાખ રૂપિયા પણ આપી દીધા હતા, પરંતુ આ વાતને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમેને ગ્રીનકાર્ડ ના મળવાના કારણે પોલીસનો સહારો લેવાની ફરજ પડી હતી. આ બાબતે ગીતાબેને જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ ધાવવા માટે દિપક શાહ અને પારુલ પાસે 55 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો.

દિપક શાહ દ્વારા ગીતાબેનને વિશ્વાસ માટે 20 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો, ગત 2 ફેબ્રુઆરીના રોજ ગીતાબેન દ્વારા ચેક બેંકમાં નાખવામાં આવ્યો હતો પરંતુ તે બાઉન્સ થયો હતો. દિપક દ્વારા ગત ડિસેમ્બર માસમાં ગ્રીન કાર્ડ આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ નાતાલનું બહાનું કાઢી જાન્યુઆરી સુધી વાત આગળ વધારી હતી.

જાન્યુઆરી મહિનો પૂરો થયો હોવા છતાં પણ કામ ના નીકળ્યું અને આખરે દિપક અને પારુલે ફોન ઉઠાવવાનું જ બંધ કરી દીધું, જેના બાદ ગીતાબેને કામરેજ પોલીસ મથકમાં આ ઠગ દંપતી પારુલ રાઠોડ અને દિપક શાહ સામે ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ પોલીસે દિપક શાહની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ લીધા હતા.

Niraj Patel