બોટાદ લઠ્ઠાકાંડ : 2 વર્ષનો કેવલ બન્યો નોંધારો, માતા તો પહેલા જ છોડી ચૂકી છે હવે પિતાએ પણ આ દુનિયા છોડી દીધી

ગુજરાતમાં દારૂબંધી છે અને તે લગભગ ગુજરાત સિવાય પણ બધા લોકો જાણે છે. પરંતુ આ દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને ગલીએ ગલીએ જ્યાં જુઓ ત્યાં દેશી અને વિદેશી દારૂ વેચાતો જ હોય છે. ઘણા લોકો તો દેશી કે અંગ્રેજી દારૂ તેને ઘર સુધી પણ ડિલીવર કરી આપતા હોય છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે. આ આંકડો સતત વધી પણ રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં કોઇએ ભાઇ તો કોઇએ દીકરો તો કોઇએ પિતા ગુમાવ્યા છે.

તસવીર સૌજન્ય : સંદેશ

બરવાળા લઠ્ઠાકાંડની ચર્ચા આજે સમગ્ર ગુજરાતમાં ચારેબાજુ થઇ રહી છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવારના કરુણ આક્રંદથી તો ગુજરાતની ધરતી પણ ધ્રુજી ઉઠી છે. ગુજરાતના બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 30થી વધી ગયો છે. જો કે, હજી પણ ઘણા લોકોમાં ઝેરી દારૂની અસર છે, જેઓ સારવાર લઇ રહ્યા છે. આ ઘટનાને પગલે બરવાળામાં ગમગીનીનો માહોલ છે. આ ગામમાં સૌથી વધુ લોકો મોતને ભેટ્યા છે.

આ લઠ્ઠાકાંડમાં એક 25 વર્ષિય દિનેશભાઇએ જીવ ગુમાવ્યો છે, જેમના બે બાળકો છે. તેમની માતા તો પહેલા જ પતિ અને બાળકોને મૂકીને ચાલી ગઇ હતી એવામાં હવે દિનેશભાઇનું પણ મોત થતા 2 વર્ષનો માસૂમ બાળક કેવલ નોંધારો બન્યો છે. બોટાદના બરવાળાના રોજિદ ગામ જ નહિ પરંતુ આસપાસના 8 ગામમાંથી 29 અર્થી એક સાથે ઉઠતા ગમગીન વાતાવરણ સર્જાયું હતું. જેણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.

તેમનું કરુણ આક્રંદ સાંભળીને તો ભલભલાની આંખમાંથી આંસુ સરી જાય તેવો માહોલ હાલ ચારેકોર સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ગઇકાલના રોજ તો રોજિદ ગામમાં ટ્રેક્ટરમાં એક સાથે 5 વ્યક્તિની અંતિમ યાત્રા નીકળી હતી. જેને પગલે વાતાવરણ પણ ઘણુ ગમગીન બન્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, રોજીદ ગામના સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 45 વર્ષથી ગામમાં એક મહિલા બૂટલેગર દારુનું વેચાણ કરી રહી છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તો પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ગામમાં 10-15 વર્ષના બાળકો પણ દારુના રવાડે ચડ્યાં છે.

Shah Jina